દાહોદ જિલ્લામાં આકરા ઉનાળાના પ્રારંભે પડી રહેલા પાણી-પાણીના પોકારો વચ્ચે ચોસાલા ગામના ઝરણા ફળિયાની રૈયત એક બેડા પાણી માટે એક કિલોમીટરની દડમજલ કાપવા મજબૂર

દાહોદ જિલ્લામાં ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી વચ્ચે પાણીના પોકારો પડી રહ્યા છે. પીવા તેમજ વાપરવાના પાણી માટે જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારોમાં લાંબી દડમજલનો રઝળપાટ કરવા મજબુર થવું પડે છે. ત્યારે આઝાદીના સાડા સાત દાયકા પછી જે તે તંત્ર દ્વારા આવી મજબૂર પ્રજાને ભરઉનાળે પીવા તેમજ વાપરવાનું પાણી મળી રહે તે માટે કોઈ કારગત પ્રયાસ હાથ ધર્યા ના હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે દાહોદ તાલુકાના ચોસાલા ગામે ઝરણાં ફળિયામાં તંત્ર દ્વારા પીવા તેમજ વાપરવાના પાણી માટે કોઈ કારગત પ્રયાસ હાથ ન ધરાતા આઝાદીના સાડા સાત દાયકા પછી પણ પાણી માટે અંગત દઝાડતા ભર તડકામાં એકાદ કિલોમીટર જેટલી દડમજલ કાપી કૂવા પરથી પાણી લાવવા ઝરણા ફળિયાની મહિલાઓને મજબૂર થવું પડે છે. આ ફળિયાના રહીશોએ પોતાની પાણીની આ સમસ્યાના નિરાકરણ માટે ગામના સરપંચ, તલાટી તેમજ તાલુકા સભ્યને પણ રજૂઆતો કરી છે. તેમ છતાં આજદિન સુધી જે પરિણામ આવ્યું છે. તે આપણી સૌની નજર સામે છે. ઝરણા ફળિયાથી એકાદ કિલોમીટર દૂર આવેલ કુવા વચ્ચે કોઈ રસ્તો નથી માટે કુવા સુધી પહોંચવામાં ખેતરોમાં થઈ પસાર થવું પડતું હોવાનું ઝરણાં ફળિયાની મહિલાઓ જણાવી પોતાની લાચારી પ્રગટ કરી રહી છે. ચોસાલા ગામના ઝરણાં ફળિયાની જનતાને બારેમાસ પાણી પૂરું પાડતાં આશીર્વાદ સમા આ કુવામાંથી સરળતાથી પાણી ખેંચી શકાય તે માટે નાખવામાં આવતી ગરગડીના પણ આ કુવા પર ઠેકાણા નથી. અને આ કુવા પર ગરગડી નાખવાની તસ્દી પણ જવાબદાર એવા સરપંચ- તલાટી કમ મંત્રી કે તાલુકા સભ્યએ લીધી નથી. તેવું કુવાની સ્થિતિ જોતા સ્પષ્ટ પણે નજરે પડી રહ્યું છે. આ મામલે અમારા પ્રતિનિધિએ ચોસાલાના તલાટી કમ મંત્રી વિકાસ પ્રજાપતિનો ટેલીફોનિક સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું કે, ચોસાલા તથા તેની આસપાસની જમીન પથરાળ હોવાથી આ જમીનમાં પાણીના સ્ત્રોત નહિવત છે. આમ તો અમે પાણી માટે હેન્ડ પંપ તેમજ બોર પણ કર્યા પરંતુ પાણીના સ્ત્રોતના અભાવે અમારા પ્રયાસ કારગત નિવડ્યા નથી. હાલ આ વિસ્તારને આકરા ઉનાળામાં પીવાનું તથા વાપરવાનું પૂરતું પાણી મળી રહે તે માટે આ વિસ્તારમાં એક સંપ પણ અત્રેના સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના પ્રયાસથી બનાવવામાં આવ્યો છે. અને તેમાં મોટરો પણ ઉતારવામાં આવી છે. જે સંપમાં નર્મદા યા કડાણાના પાણી ઠાલવવાની યોજના છે. પરંતુ આ સંપમાં નર્મદા યા કડાણાનું પાણી ક્યારે ઠાલવવામાં આવશે તે કહેવું હાલના તબક્કે ઘણું અઘરું છે. આ વિસ્તારની જમીન પથરાળ હોવાને કારણે નળસે જળ યોજનાની પાઇપો તેમજ નળ વગેરે નંખાઈ ગયા. પરંતુ લોકોને ઘર આંગણે પાણી ન મળતા આ યોજના હાલના તબક્કે તો આ વિસ્તારમાં જોઈએ તેટલી સફળ થઈ નથી. ચોસાલા ગામના ઝરણા ફળિયાની પ્રજાને ચાલુ વર્ષના આ આકરા ઉનાળામાં પીવા તથા વાપરવાનું પાણી સરળતાથી ઘર આંગણે મળી રહે તે માટે સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાનાથી બનતા તમામ પ્રયાસો જારી રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!