કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદમાં વાવાઝોડા થકી થયેલ નુકસાનીનો તાગ મેળવવા વિડિઓ કોન્ફરન્સ યોજાઈ : વાવાઝોડા થકી થયેલ નુકસાનીનો સર્વે કરી રાહત કામગીરી ઝડપથી કરવા અપાઈ સૂચના

દાહોદ તા.૦૬

દાહોદ જિલ્લામાં ગઈકાલે થયેલ વાવાઝોડા થકી દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અનેકો ગામ અસર ગ્રસ્ત થયા હતા. ઝાડ પડવા, ઘરોના પતરાં, છાપરા ઉડવા, આગ લાગવી, નળીયાવાળા ઘરોને મોટેભાગે નુકસાન થવા પામ્યું હતું. જે સંદર્ભે દાહોદ જિલ્લામાં કેટલું નુકસાન થવા પામ્યું છે તેમજ અત્યાર સુધી કરવામાં આવેલ કામગીરીનો તાગ મેળવવા માટે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલની ઉપસ્થિતિ હેઠળ વિડિઓ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ દરમ્યાન વાવાઝોડાની ગંભીરતાને ધ્યાને લઈને કલેકટરએ સંબંધિત તમામ અધિકારીશ્રીઓને દાહોદ જિલ્લામાં વીજળી, વાવાઝોડા કે વાવાઝોડાથી પડેલ ઝાડ થકી થયેલ માનવ કે પશુઓના થયેલ મૃત્યુ, કાચા ઘરોમાં આગના બનાવ અથવા કાચા ઘરો પડી જવા જેવા નુકસાની તેમજ એ માટે કરવામાં આવેલ રાહત કામગીરીની માહિતી મેળવી હતી.

એ સાથે થયેલ તમામ નુકસાનીનો તાલુકા વાઈઝ સર્વે કરીને તેનો રિપોર્ટ ઝડપથી કરવા તેમજ નુકસાનીના વળતર માટેની રાહત કામગીરી તાત્કાલિક પણે કરવા સૂચના આપી હતી. ઇલેક્ટ્રિસીટીની સમસ્યા તેમજ અસર ગ્રસ્ત લોકોના ખાવા-પીવાની સુવિધા પુરી પાડવા સહિત જરૂરી રાહત કામગીરી કરવા માટે માર્ગદર્શન સહિત સૂચના આપવામાં આવી હતી.

આ વિડિઓ કોન્ફરન્સ દરમ્યાન વર્ચ્યુઅલ માધ્યમથી ડિસ્ટ્રીકટ ફોરેસ્ટ ઓફિસર, પ્રાંત અધિકારીઓ, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક, કાર્યપાલક ઇજનેર પંચાયત, કાર્યપાલક ઇજનેર સ્ટેટ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મામલતદારો તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!