મહિલા સહિત ત્રણની પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં : ઝાલોદના ચાકલીયા ગામે ૪૦ વર્ષિય યુવકની હત્યા ૧૦ લાખની ખંડણી મામલે કરવામાં આવી
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે જંગલ વિસ્તારમાંથી એક યુવકનું હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે આ મામલે મૃતકના પરિવારના સદસ્ય દ્વારા યુવકની હત્યા છોકરી બતાવવાનું કહી રૂપીયા ૧૦ લાખના નાણાંની ખંડણીની માંગણી સાથે મહિલા સહિત ત્રણ ઈસમોએ ગડદાપાટુનો તેમજ હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી મહિલા સહિત ત્રણ આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. ગત તા.૦૯મી મે ના રોજ ઝાલોદના ચાકલીયા ગામે જંગલ વિસ્તારમાંથી રાજકોટ ખાતે રહેતા ૪૦ વર્ષીય રમેશભાઈ કરમશીભાઈ ડાંગરેચીયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસ ઉપરોક્ત મૃતક યુવકના પરિવારજનોને જાણ કરતા પરિવારજનો ઝાલોદના ચાકલીયા ખાતે દોડી આવ્યા હતા. યુવકના મોતને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી ત્યારે આ મામલે યુવકના સાળા પ્રકાશભાઈ મનસુખભાઇ ચાવડા ચાકલીયા પોલીસ મથકે મહિલા સહિત ૩ ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે અને જેમાં જણાવ્યા અનુસાર, પ્રવીણભાઈ, વિપુલભાઈ અને સુનીતાબેન નામક આ ૩ ઈસમો દ્વારા મૃતક યુવક રમેશભાઈને લગ્ન કરાવી આપીએ તેમ કહી મૃતક રમેશભાઈ અને તેમના પરિવારનો પાસેથી રૂપીયા ૧૦ લાખની માંગણી કરી હતી. નાણાંની માંગણી કરી હતી અને ગુન્હાહિત કાવતરું રચી રમેશભાઈને ગેરકાયદેસર અટકાયતમાં રાખી નાણાં નહિ આપે તો મારી નાખવાની ધમકી આપી મૃતક રમેશભાઈને ગડદાપાટુનો તેમજ હથિયાર વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. અને મૃતદેહને ઝાલોદના ચાકલીયા ગામે જંગલમાં ફેંકી દેવામાં આવ્યા હતા. જ્યારે મૃતક યુવકના સાળા દાહોદ ખાતે પહોંચતાં જ્યાં દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં રમેશભાઈના મૃતદેહને લઈ પોતાના વતન જવા રવાના થયાં હતાં. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આરોપીમાં પ્રવિણભાઈ, વિપુલભાઈ અને સવિતાબેન સહિત ત્રણની અટકાયત કરી હતી.
આ સબંધે પ્રકાશભાઈ મનસુખભાઇ ચાવડાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

