સ્થાનિક વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ : બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા : સંજેલીના સીંગવેડ ગામે મોટસાયકલ પર જઈ રહેલા બે વ્યક્તિઓ પર વન્ય પ્રાણી દીપડાનો હિંસક હુમલો
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લાના સંજેલી સીંગવેડની મંડેર ચોકડી પાસે સાંજના સમયે મોટરસાઈકલ પર પસાર થઈ રહેલા બે યુવકો પર વન્ય પ્રાણી દિપડાએ હિંસક હુમલો કરતાં બંન્ને યુવકોને શરીરે ઈજાઓ પહોંચતાં જ્યાં બંન્ને યુવકોને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં જિલ્લામાં વન્ય પ્રાણી દિપડાના હુમલાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ગતરોજ સંજેલીના ગોવિંદાતળા ગામે રહેતાં ચારેલ પરિવારના બે યુવકો ગતરોજ સાંજના સમયે સંજેલીના સીંગવેડ ગામેથી ચોકડી પાસેથી મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તાની બાજુમાં અંધારામાં ઝાંખરાઓની વચ્ચે છુપાઈને બેઠેલા એક વન્ય પ્રાણી દિપડાએ મોટરસાઈકલ પર સવાર બંન્ને યુવકો પર હુમલો કરતાં બંન્ને યુવકો મોટરસાઈકલ પરથી નીચે પડી ગયાં હતાં અને જ્યાં દિપડાએ બંન્ને યુવકો પર હુમલો કરતાં બંન્ને યુવકોને મોંઢાના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી. દિપડાના હુમલાને પગલે બંન્ને યુવકોએ બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. લોકો આવતાંની સાથે દિપડો નજીકના જંગલ તરફ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવાને જાણ કરવામાં આવતાં ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંન્ને ઈજાગ્રસ્ત યુવકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ સ્થાનીક વન વિભાગના અધિકારીઓને કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં દિપડાને પાંજરે પુરવા માટેની વન વિભાગ દ્વારા કવાયતો હાથ ધરવામાં આવી રહી છે. આ દિપડાના હુમલાને પગલે સ્થાનીક લોકોમાં તેમજ આ રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓમાં ફફડાટ જેવા મળી રહ્યો છે.

