દાહોદ શહેરમાં વધુ એક વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં : દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંઈ : નાણાંનું રોકાણ કરી ઉંચા વળતરની લાલચમાં દાહોદના વેપારીએ રૂા.૨૬ લાખ ઉપરાંતના નાણાં ગુમાવ્યાં

દાહોદ તા.૧૭

દાહોદ શહેરમાં વધુ એક વેપારી ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યાં છે જેમાં સોશીયલ મીડીયાના ફેસબુકના માધ્યમથી નાણાંની રોકાણ કરી ઉંચા વળતરની લાલચમાં વેપારીએ રૂા.૨૬,૫૯,૯૦૭ ગુમાવી દેતાં આ મામલે વેપારીએ દાહોદની સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

સાત અલગ અલગ ઈસમો દ્વારા સોશીયલ મીડીયાના ફેસબુકમાં શેરમાર્કેટના રોકાણ પર ઉંચા વળતરની જાહેરાત આપી હતી. આ જાહેરાત જાેઈ દાહોદ શહેરના મંડાવાવ રોડ ખાતે અમરદિપ દયાનંદ સિંધી સોસાયટી ખાતે રહેતાં ૫૩ વર્ષિય વેપારી પ્રકાશભાઈ ઠાકુરદાસ મંઘાણીએ આ જાહેરાતને લાઈક કરી હતી. ત્યાર બાદ આરોપીઓ દ્વારા પ્રકાશભાઈને સોશીયલ મીડીયાના વોટ્સએપના માધ્યમથી સંપર્ક કર્યાે હતો અને આરોપીઓએ તેઓના એક વોટ્સએપ ગ્રૃપમાં પ્રકાશભાઈને એડ પણ કર્યા હતાં. ત્યારે પ્રકાશભાઈને એક લીંક મોકલી આરોપીઓ દ્વારા એપ્લીકેશન ડાઉનલોડ કરાવી શેર માર્કેટમાં રોકાણ પર વધુ પ્રોફીટ આપવાની લાલટ પ્રકાશભાઈને આપી હતી. આ લાલચમાં આવી જઈ પ્રકાશભાઈ ઓનલાઈન મારફતે અલગ અલગ સમયગાળા દરમ્યાન એટલે કે, તારીખ ૦૫.૦૨.૨૦૨૫થી તારીખ ૦૯.૦૪.૨૦૨૫ના સમયગાળા દરમ્યાન અલગ અલગ બેન્ક ખાતાઓમાં કુલ રૂા.૨૬,૫૯,૯૦૭ પ્રકાશભાઈ પાસેથી આરોપીઓ ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. એપ્લીકેશનના પ્રોફીટ બોર્ડમાં પ્રકાશભાઈનું રૂા.૧,૯૦,૦૦૦નું પ્રોફીટ બતાવતું હતું. પ્રકાશભાઈ દ્વારા અવાર નવાર પોતાની મુળ રકમ અને પ્રોફીટ પરત આપવા માટે આરોપીઓને રજુઆત કરતાં પરંતુ આરોપીઓ દ્વારા મુળ રકમ અને પ્રોફીટ પરત આપતાં ન હતાં ત્યારે આરોપીઓ દ્વારા માત્ર ૧૦,૦૦૦ રૂપીયાજ પરત આપ્યાં હતાં અને બાકીના મુળ રકમ અને પ્રોફીટના નાણાં પરત ન કરતાં આખરે પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઈ હોવાના અહેસાસ સાથે પ્રકાશભાઈ ઠાકુરદાસ મંઘાણીએ દાહોદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!