નાણાંની લેવડ દેવડમાં થયેલ ઝઘડા તકરારનો કરૂણ અંત આવ્યો : દેવગઢ બારીઆના બામરોલી ગામે સગાભાઈએ સગાભાઈને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારતાં પંથકમાં ચકચાર મચી

દાહોદ તા.૧૯

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે ચકચાર મચાવી મુકી તેવી ઘટના સામે આવી છે. જેમાં નાણાંની લેવડ દેવડ મામલે સગાભાઈએ પોતાના સગાભાઈને શરીરે કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતાં પંથકમાં આ ઘટનાને પગલે ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.

આ કળીયુગના જમાનામાં પૈસા સિવાય કોઈ કોઈનું નથી.. તે પંક્તિને જાણે સાર્થક કરતી ઘટના દેવગઢ બારીઆના બામરોલી ગામે બનવા પામી છે. જેમાં સગાભાઈએ પોતાના સગાભાઈને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીઆના બામરોલી ગામે ખેડા ફળિયામાં રહેતાં રાજેશબાઈ કાન્તીભાઈ બારીઆ એક વર્ષ અગાઉ એક યુવતીને ભગાડીને પોતાની પત્નિ તરીકે રાખવા સારૂ લઈ આવ્યો હતો તે વખતે રાજેશભાઈના સગાભાઈ બકાભાઈ કાન્તીભાઈ બારીઆએ રાજેશભાઈને ઉછીના ૨૦ હજાર રૂપીયા આપ્યાં હતાં જેમાંથી રાજેશભાઈએ ૬ હજાર રૂપીયા આપ્યાં હતાં અને બાકીના ૧૪ હજાર રૂપીયા માટે બકાભાઈ પોતાના ભાઈ રાજેશભાઈ પાસે અવાર નવાર ઉછીના આપેલ નાણાંની માંગણી કરતાં હતાં ત્યારે ગત તા.૧૩મી મેના રોજ બકાભાઈએ પોતાના ભાઈ રાજેશભાઈ પાસે પુન: એકવાર ઉછીના આપેલ નાણાંની માંગણી કરતાં આ બંન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો તકરાર થયો હતો અને જેમાં આવેશમાં આવી ગયેલા રાજેશભાઈએ પોતાના સગાભાઈ બકાભાઈને શરીરે તેમજ માથાના ભાગે કુહાડીના ઉપરા છાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. મોતને ઘાટ ઉતારી રાજેશભાઈ ફરાર થઈ ગયો હતો ત્યારે આ ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સાથે સાથે ગ્રામજનોમાં પણ ચકચાર મચી જવા પામી હતી.

આ સંબંધે મૃતક બકાભાઈની પત્નિ લલીતાબેન બકાભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ આરંભ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!