એટીએમમાં કાર્ડ બદલી છેતરપિંડી કરી નડિયાદમાં વૃદ્ધ સાથે ૧ લાખની ઠગાઈ
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મંજીપુરા રોડ પર રહેતા ૬૩ વર્ષીય મુળજીભાઈ રોહિતે ૧૬ મેના રોજ પોતાને પૈસા જરૂરીયાત માટે મિત્ર ઈશાકભાઈને પૈસા ઉપાડવા માટે પોતાનું BOB એટીએમ કાર્ડ આપ્યું હતું.
ઈશાકભાઈ સરદારની પ્રતિમાના નજીક સ્થિત એટીએમ સેન્ટર પર ગયા હતા. ત્યાં હાજર એક અજાણ્યા શખ્સે મદદ કરવાના બહાને તેમની સાથે છેતરપિંડી કરી કાર્ડ બદલી નાખ્યું હતું. ઈશાકભાઈએ કહ્યું કે પૈસા નહીં નીકળતા તેઓ પરત ફર્યા હતા. આ ઘટના બાદ માત્ર બે જ દિવસમાં ગઠિયાએ ૧૦-૧૦ હજારના ૧૦ ટ્રાન્ઝેક્શન કરીને કુલ રૂ. ૧ લાખ ઉપાડી લીધા હતા. જ્યારે મુળજીભાઈએ એટીએમ કાર્ડ તપાસ્યું ત્યારે કાર્ડ બીજાની ઓળખનું નીકળ્યું હતું. તેમણે તરત જ બેંકમાં જઇને ખાતું બ્લોક કરાવ્યું અને ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

