કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ

મિશન સિંદૂર – “એક જવાબદારી” અને “રક્તદાન એ જ મહાદાન”ના ભાગરૂપે કઠલાલ ટાઉન હોલ ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહામહેનતસભર કાર્યક્રમ સાંસદ દેવુસિંહ ચૌહાણ તથા કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
કેમ્પનું આયોજન કઠલાલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કલેક્ટરએ પોતે રક્તદાન કરીને ઉપસ્થિત દાતાઓમાં નવચેતના ભર્યા હતા અને વધુને વધુ રક્તદાન માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, “ભાજપ અને દેશપ્રેમની લાગણી સાથે જનતા ભારતની સેના માટે હંમેશા તત્પર રહી છે. આવાં કેમ્પો દેશહિતમાં શ્રેષ્ઠ ઉદાહરણ છે.” આ પ્રસંગે ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાએ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપી હતી અને સર્વે દાતાઓને રાષ્ટ્રસેવા સમાન એવા રક્તદાન માટે અભિનંદન પાઠવ્યા હતા. કલેક્ટર, સાંસદ તથા ધારાસભ્યએ રક્તદાતાઓ સાથે સ્મૃતિસ્વરૂપ સેલ્ફી લઈ વધુને વધુ લોકોને રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા.
કેમ્પમાં કપડવંજ પ્રાંત અધિકારી અનિલભાઈ ઝાલા, કઠલાલ તાલુકા વિકાસ અધિકારી જીગ્નેશભાઈ પટ્ટણી, તાલુકા આરોગ્ય અધિકારી સૌરવ શાહ, મામલતદાર સંગ્રામભાઈ બારીયા સહિતના અધિકારીઓ તેમજ અગ્રણી નાગરિકોએ હાજરી આપી હતી.
આ રક્તદાન કેમ્પમાં વિવિધ સામાજિક સંગઠનો, નાગરિકો, સ્વયંસેવકો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને રક્તદાન કરીને માનવતાની ભાવનાને જીવંત કરી હતી.

