કોરોનાના દર્દીને બળજબરી ટેસ્ટ કરી કમાણી કરતા હોવાની સોશ્યલ મીડિયા પોસ્ટ નાગરિકોને ગેરમાર્ગે દોરનારી
દાહોદ તા.૧૯
સોશ્યલ મીડિયામાં બદઇરાદાથી ઘણા ફેક ન્યુઝ વાયરલ કરવામાં આવતા હોય છે. આવા ફેકન્યુઝ ફોરવર્ડ કરવા પણ ગુનો છે. જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા તાજેતરમાં જ આવા જ એક ન્યુઝ બાબતે તપાસ કરતા તે ફેક ન્યુઝ હોવાની તથ્ય બહાર આવ્યું હતું.
સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટમાં એવું જૂઠાણું ચલાવવામાં આવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા નગરપાલિકા-મહાનગરપાલિકાને કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે દોઢ લાખ રૂપિયા અપાય છે અને આ રૂપિયા માટે નગરપાલિકા-મહાનગરપાલિકા દ્વારા ખોટી રીતે વધુમાં વધુ પોઝિટિવ કેસો જોર-બળજબરીથી એડમીટ કરી જાહેર કરવામાં આવે છે.
જિલ્લા માહિતી કચેરી, દાહોદ દ્વારા આ સમાચાર બાબતે તપાસ કરતા આ સમાચાર તથ્યોથી સંપૂર્ણ વેગળા હોવાનું સાબિત થયું હતું. કલેક્ટર શ્રી વિજય ખરાડીએ આ બાબતે જણાવ્યું કે, આ સમાચાર ફેકન્યુઝ છે. આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવતી આરોગ્ય તપાસ ખૂબ જરૂરી છે, તંત્ર દ્વારા ખૂબ જ તકેદારી સાથે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. માટે આ પ્રકારના સમાચારમાં કોઇ તથ્ય નથી. સોશ્યલ મીડિયાની આવી ખોટી પોસ્ટથી નાગરિકોએ ભ્રમિત થવું નહીં અને પોતાના આરોગ્યની તપાસ સમયાંતરે કરાવતા રહે એ જરૂરી છે.
#Sindhuuday Dahod