ડાકોરમાં રમકડાના ગોડાઉનમાં આગ લાગતાં નાસભાગ મચી
નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર શહેરના બસ સ્ટેશન રોડ પર આવેલા પૂનમ ગેસ્ટ હાઉસ કોમ્પ્લેક્સમાં શનિવાર બપોરે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટના રમકડાના ગોડાઉનમાં બની હતી, જ્યાં રહેલા પ્લાસ્ટિકના સામાનના કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાઈ રહ્યું છે. ધુમાડાના ગોટેગોટા ત્રણથી ચાર કિલોમીટર દૂરથી નજરે પડી રહ્યા હતા, જેને જોઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. ઘટનાની જાણ થતા ડાકોર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગોડાઉન સુધી સીધો રસ્તો ન હોવાથી ફાયર ફાઈટર્સને નજીકની પોલીસ લાઈનના મકાનોની બારીઓમાંથી પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. આગ વધુ વિકરાળ બનતી જતાં ઠાસરા અને ઉમરેઠથી પણ ફાયર બ્રિગેડની વધુ ટીમોને બોલાવી લેવાઈ હતી. વિજળી કંપનીને પણ તુરંત જાણ કરવામાં આવી હતી, જેના પગલે લાઈનમેનોએ પૂનમ કોમ્પ્લેક્સનું વીજ કનેક્શન તાત્કાલિક કાપી નાખ્યું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.


https://shorturl.fm/0EtO1
https://shorturl.fm/hevfE