છેલ્લા ત્રણ, ચાર દિવસો દાહોદ શહેરના ઉકરડી અને ગોદી રોડ વિસ્તાર ખાતે તસ્કરોનો તરખાટનો અંત : દાહોદ બી ડિવીઝન પોલીસે ઘરફોડના ચાર ચોરોને ઝડપી પાડ્યાં : ચોરીમાં ગયેલ રોકડા ૭૦,૦૦૦ હજાર ઉપરાંત બે જીવતા કારતુષ કબજે
દાહોદ તા.૦૫
દાહોદ બી ડિવીઝન પોલીસ દ્વારા શહેરમાં વાહન ચેકીંગ દરમ્યાન એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા ત્રણ શંકાસ્પદ ઈસમોને ઝડપી પાડી તેઓની સઘન પુછપરછ કરતાં દાહોદ શહેરમાં છેલ્લા ત્રણ, ચાર દિવસથી થતી ઘરફોડ ચોરીઓને આ ઈસમોએ પોતાના સાગરીતો સાથે ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત સાથે પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી રોકડા રૂપીયા ૭૦,૦૦૦, મોટરસાઈકલ, ચોરીમાં ગયેલ ચાંદીના દાગીના, ઘરફોડ ચોરીમાં વપરાતા સાધનોની સાથે સાથે ૨ જીવતા કારતુષ પણ ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.
દાહોદ શહેરના ઉકરડી વિસ્તાર તેમજ ગોદી રોડ ખાતે છેલ્લા ત્રણ, ચાર દિવસોની અંદર ત્રણથી વધુ બંધ મકાનોમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટનાને પગલે આ વિસ્તારો સહિત દાહોદ શહેરમાં ચોરોની આતંકને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આ મામલાની ગંભીરતા દાખવી દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા ઘરફોડ ચોરીમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદની પોલીસને જરૂરી સુચના અને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ત્યારે ગતરોજ દાહોદ બી ડિનીઝન દાહોદ કોલેજ રોડ બોરવાણી ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે એક મોટરસાઈકલ પર સવાર થઈ ત્રણ શંકાસ્પદ ઈસમો ત્યાંથી પસાર થતાં પોલીસે આ ત્રણેય ઈસમોને મોટરસાઈકલ સાથે ઉભા રાખ્યાં હતાં અને તેઓની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ત્રણેય શંકાસ્પદ ઈસમોની અંગ ઝડતી કરતાં અંગ ઝડતીમાંથી પોલીસને બે જીવતા કારતુસ મળી આવ્યાં હતાં. પોલીસે ત્રણેય ઈસમો જેમાં અર્જુનભાઈ નટુભાઈ અમલીયાર (રહે. દાહોદ દેલસર, સરસ્વતી પાર્ક-૨, તા.જિ,દાહોદ, મુળ રહે. આણંદ), અભીવન ઉર્ફે અભી કિશોરભાઈ પીઠાયા (રહે. છાપરી, ઓમ સાંઈ સોસાયટી, તા.જિ,દાહોદ) અને અમનભાઈ એઝાઝભાઈ શેખ (રહે.અલીફ એપાર્ટમેન્ટ, ઉકરડી રોડ, તા.જિ.દાહોદ) નાઓને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ કરતાં પોલીસની પુછપરછોમાં ઉપરોક્ત ત્રણેય ઈસમો ભાંગી પડ્યાં હતાં અને તેઓએ કબુલ્યુ હતું કે, દાહોદ શહેરના ઉકરડી રોડ ખાતે આવેલ સરસ્વતી પાર્ક-૨ સોસાયટીમાં બે બંધ મકાનોને, ગોદી રોડ ઘ્રુમીલ પાર્ક સોસાયટી તથા ગોદી રોડ નુર બંગલાની સામે આ તમામ જગ્યાએ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. પોલીસે ઉપરોક્ત ત્રણ ઈસમોની સાથે સાથે તેઓના વધુ એક સાગરીત હેમેન્દ્રકુમાર જુગરાજભાઈ સોની (રહે. નિર્મળ પ્રતાપનગર, લીમડી, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાને પણ ઝડપી પાડ્યો હતો. આ ઝડપાયેલ ઈસમો પાસેથી પોલીસે રોકડા રૂપીયા ૭૦,૦૦૦, એક મોટરસાઈકલ, ૦૩ નંગ. મોબાઈલ ફોન, ઘરફોડ ચોરીમાં વપરાતા સાઘનો અને બે જીવતા કારતુસ કબજે કર્યા હતાં. વધુમાં મળતી માહિતી પ્રમાણે પોલીસે આ ઝડપાયેલ ઈસમો અને તેના સાગરીતો સાંજના સમયે બંધ ઘરની રેકી કરી રાત્રી દરમ્ન બંધ મકાનો તથા દુકાનોના તાળા તોડી ઘરફોડ ચોરી કરવાની પ્રવૃતિઓ ધરાવે છે. દાહોદ બી ડિવીઝન પોલીસે દાહોદ કંમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમના સીસીટીવીના કેમેરાના ફુટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરીના આ ગુન્હાને ઉકેલી કાઢ્યો છે.
આ સંબંધે દાહોદ બી ડિવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

