ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક ફરાર : કુલ રૂા.૨.૬૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે : દેવગઢ બારીઆના માતાનાવડ ગામેથી પસાર થતાં હાઈવે ઉપરથી પીપલોદ પોલીસે ઈક્કો ફોર વ્હીલર ગાડીમાંથી રૂા.૧.૧૪ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૯
પોતાના પોલીસ મથકના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની પીપલોદ પોલીસને પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે માતાનાવડ ખાતે હાઇવે પર ગોઠવેલ વોચ દરમિયાન પોલીસની વોચ જાેઈ ઈક્કો ગાડી મૂકી ચાલક નાસી જતા જે ગાડીમાંથી પોલીસે રૂપિયા ૧,૧૪,૮૦૦/-ની કિંમતની વિદેશી દારૂ તેમજ બિયરની પેટીઓ નંગ.૩૫ પકડી પાડી રૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૨,૬૪,૮૦૦/- મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
દેવગઢ બારીઆની પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનના પોતાના સ્ટાફ કર્મીઓની એક ટીમને સાથે લઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમની ટીમના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ રમણભાઈ ને, એક સફેદ કલરની મારુતિ કંપનીની જીજે ૦૩એફ.ડી.-૪૩૮૭ નંબરની ઇક્કો ફોરવીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂ/બીયરનો જથ્થો ભરી લીમખેડા તરફથી પીપલોદ બાયપાસ થઈ દેવગઢ બારિયા તરફ જનાર હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જે બાતમીને આધારે પિપલોદ બાયપાસ હાઈવે પર માતાનાવડ ખાતે પીપલોદ પોલીસે જરૂરી વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબરવાળી ઈક્કો ફોરવીલ ગાડીના ચાલક દૂરથી જ પોલીસની વોચ જાેઈ ગયો હતો જેથી પોલીસ પકડથી બચવા ચાલક પોતાની ઈકકો ગાડી પૂરપાટ ભગાવી રોડની સાઈડમાં મૂકી નાસી ગયો હતો. જે ગાડી પોલીસે પકડી તલાસી લઈ ગાડીમાંથી રૂપિયા ૧,૧૪,૮૦૦/-ની કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની કુલ પેટીઓ નંગ-૩૫માં ભરેલ કુલ બોટલ નંગ.૯૭૦ પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા દોઢ લાખની કિંમતની ઈક્કો ફોરવીલ ગાડી મળી રૂપિયા ૨,૬૪, ૮૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ઈક્કો ફોરવીલ ગાડીના ચાલક વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

