ફતેપુરા નાદુકોણ ગામે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો : સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા મળી ૩.૭૫ની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટી નાદુકોણ ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી સોના,ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા ૧૦ હજાર મળી કુલ રૂા.૩,૭૫,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ ચોરીની ઘટનાને પગલે સ્થાનીક રહીશોમાં ભયનો માહૌલ જાેવા મળી રહ્યો છે.
ફતેપુરાના મોટી નાદુકોણ ગામે રાવળ ફળિયામાં રહેતાં મુકેશભાઈ જીવાભાઈ રાવળના બંધ મકાનને ગત તા.૧૧મી જુનના રોજ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી તસ્કરો મકાનમાં પ્રવેશ્યાં હતાં. તસ્કરોએ મકાનમાં મુકી રાખેલ તિજાેરી તોડી અંદર મુકી રાખેલ ચાંદીનો કંદોરો, ચાંદીના પાયલ, ચાંદીની સાંકળી, ચાંદીનું ભોરીયુ, ચાંદીના હાથમાં પહેરવાના મટીયા, ચાંદીનો દોરો, ચાંદીની વીટીઓ, એક સોનાનું લોકેટ, સોનાની મરકી, સોનાના સેલર સાથે શેરો તેમજ રોકડા રૂપીયા ૧૦ હજાર મળી તસ્કરોએ કુલ રૂા.૩,૭૫,૫૦૦ની મત્તાની ચોરી કરી તસ્કરો નાસી ગયાં હતાં.
આ સંબંધે મુકેશભાઈ જીવાભાઈ રાવળે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

