દાહોદ જિલ્લામાં મેઘ મહેરબાન : સર્વત્ર વરસાદી પાણી છવાયાં : ખેડુતોમાં આનંદો : ઠેર ઠેર પાણી ભરાતાં રસ્તાઓ બંધ થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા : દાહોદની દુધીમતિ નદીમાં નવા નીર : દુધીમતી નદી બંન્ને કાંઠે : દાહોદમાં સાત કલાકમાં ૭ ઈંચ વરસાદ : સમાર્ટ સીટી દાહોદના રસ્તાઓ પાણીથી તરબોળ : મકાનો, દુકાનોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી








દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લામાં આજરોજ વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થતાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. નદી,નાળા, તળાવોમાં નવા નીર જાેવા મળ્યાં હતાં. દાહોદના તમામ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયાં હતાં. તો બીજી તરફ સ્માર્ટ સીટીમાં બનાવેલા સ્માર્ટ રસ્તાઓ ઉપર પણ વરસાદી પાણી ઉભરાતાં સ્માર્ટ સીટીની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થવાં પામ્યાં છે. તો દાહોદ શહેરના ઘણા વિસ્તારોમાં ગલી, મહોલ્લા, સોસાયટી, નિચાળવાળા વિસ્તારો તેમજ જાહેર બજારોમાં વરસાદી પાણીના જમાવડાને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદમાં સાત ઈંચથી વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયાં છે.
દાહોદ જીલ્લામાં ચોમાસાનો પાછલા અઠવાડીયાથી આરંભ થયો છે. પાછલા દીવસો દરમ્યાન વરસેલા વરસાદનો આંક જાેઈએ તો અત્યાર સુધીમાં જીલ્લાના ૯ તાલુકામાં સૌથી વધુ વરસાદ દાહોદમાં ૭ ઈંચ જેટલો વરસ્યો છે તેમાં આજે તા. ૨૪ના રોજ સવારના ૧૦ થી ૧૨ વાગ્યા દરમ્યાન બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેર પાણી પાણી થઈ ગયુ હતુ શહેરના એમ.જી.રોડ. ઉપર તો પાણી ભુગર્ભ ગટરમાંથી ઉભરાવા લાગ્યુ હતું. જીલ્લામાં સૌથી ઓછો વરસાદ સંજેલી તાલુકામાં માત્ર ૩૫ મીમી એટલે લગભગ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. દાહોદ જીલ્લાના નવ તાલુકાઓ પૈકી તા. ૨૪ના રોજ સવારના ૬ કલાકથી ૧૨ કલાક સુધીમાં ઝાલોદમાં ૨ મીમી, લીમખેડા ૭ મીમી, દાહોદમાં ૫૦ મીમી, ગરબાડામાં ૨ મીમી, દેવગઢ બારિયામાં ૧૫ મીમી, ધાનપુરમાં ૧૯ મીમી, સંજેલીમાં ૮ મીમી, સીંગવડમાં ૮ મીમી વરસાદ વરસ્યો છે. દાહોદમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ ઉપર પાણી ફેલાયા હતા. જાેકે શહેરમાં સ્ટોમ વોટર માટેની બનાવેલી પાઈપ લાઈનના કારણે મહત્તમ વિસ્તારમાં પાણી ભરાયા ન હતા જાેકે શહેરના એમ.જી.રોડ ઉપર ભુગર્ભ ગટરના પાણી લાઈનમાંથી ઉભરાયા હતા. દાહોદ જીલ્લામાં આ વરસાદ વરસતા ખેડુતોને ખુબ જ લાભદાયી રહેશે. બીજી તરફ આજના આ વરસાદને પગલે દાહોદ શહેરના સ્માર્ટ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ઉભરાઈ ગયાં હતાં. બજારોમાં સ્ટેશન રોડ, દર્પણ સિનેમા રોડ, ગોદી રોડ, ગોધરા રોડ, ગોવિંદનગર, પડાવ વિસ્તાર જેવા વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ઘુટણ સમા ભરાઈ જતાં વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નિચાળવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
જિલ્લામાં અનેક સ્થળોએ નદી, નાળા છલકાયાં
દાહોદમાં આજરોજ એક જ દિવસમાં ૭ ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ લીમખેડાના ઝેરજીત ગામે ડોસી નદીનું નાળું ધોવાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઝાલોદના દાહોદ લીમડી હાઈવે રોડ પર પાણી ભરાઈ જતા આ વિસ્તારમાં આવેલ કોરિડોર વિસ્તાર બંધ કરવાની ફરજ પડી હતી. દાહોદ અને લીમડીને જાેડતા માર્ગ પર પાણી ફરી વળતા જેમાં એક વ્યક્તિ પાણીના વહેણમાં ફસાઈ ગયો હતો જેને સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરી પાણીના વહેણમાં ફસાઈ ગયેલા વ્યક્તિનો આબાદ બચાવ કર્યો હતો. બંને તરફથી વાહન વ્યવહાર ખોરવાતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારના આસપાસના લોકોના ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ દાહોદમાં આવેલ આરટીઓ કચેરીમાં પાણી ભરાઈ ગયા હતા અને ઓવરબ્રિજ નીચે પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. મોટી હાંડી તથા નાની હાંડી કામમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો જેને પગલે વાહન વ્યવહાર હતો. વાત કરીએ દાહોદ સ્માર્ટ સિટીની તો દાહોદના તમામ રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા હતા. ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. દાહોદમાં લોકોના ઘરોમાં તેમજ દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદ સ્માર્ટ સીટીમાં જાહેર રસ્તાઓમાં વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવતા પાણી જાહેર રસ્તાઓ પર છવાઈ ગયા હતા અને જેને પગલે દાહોદમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા અને વરસાદી પાણી ઢીંચણ સમા આવી ગયા હતા.
ઝાલોદ તાલુકામાંથી પસાર થતાં નેશનલ કોરીડોરના આસપાસના મકાનોમાં તેમજ ખેતરોમાં પાણી ભરાયાં : એક વ્યક્તિ પાણીના વહેણમાં તણાતાં સ્થાનીક લોકોએ રેશ્ક્યુ કરી જીવ બચાવાયો
ઝાલોદ તાલુકાના કોરીડોર હાઇવેનું કામ ચાલુ થતાં જે વરસાદી પાણીના કોતરો હતા તે પુરાણ થઈ જતાં કોરીડોર હાઇવે સાથે પાણી રોકાઈને ગરીબ ખેડૂતોના ઘરો અને ખેતરોમાં ઘુસતા ગરીબ ખેડૂતોનું અનાજ અને ઘરવખરી પાણીમાં તણાઈ અને ખેતરોમાં કરેલ વાવણી પણ નિષ્ફ્ળ જવા પામી છે. ગત વર્ષે પાણી ભરાતા ખેડૂતોનો પાક નિષ્ફ્ળ જતાં ખેડૂતોના પરિવાર ભૂખે મરતા ખેડૂતોએં આંદોલનો કરી અનેકવાર કોરીડોરનું કામ રોકવેલ હતું. તંત્ર દ્વારા ગત વર્ષે મૂળભૂત સુવિધા પુરી કરવા ખેડૂતોને લેખિત બાહેંધરી આપેલ હોવા છતાં આજદિન સુધી એક પણ મૂળભૂત સુવિધા પુરી કરવામાં આવેલ નથી. સરકાર દ્વારા તંત્રનો દુરપયોગ કરી ખેડૂતો નો અવાજ દબાવી દઈ ખેડૂતો સાથે અન્યાય કરેલ હોવાના આક્ષેપો પણ આ ગામના લોકો કરી રહ્યાં છે. પાણીના નિકાલની વ્યવસ્થા ન કરવામાં આવતાં આજે પહેલા વરસાદમાં જ ઝાલોદના ચૌદ ગામોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના ઢોર ઢાકર તણાવાની સાથે મરણ પામ્યા હતાં. ત્યારે એક વ્યક્તિ તણાઈ જતાં ગ્રામજનોએ સમય સૂચકતા વાપરી રેસ્ક્યુ કરી તણાઈ રહેલા વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

