ગરબાડાના નળવાઇ ગામના સરપંચ ગેરકાયદે તમંચા સાથે પકડાયા

દાહોદ તા.૨૫

ગરબાડા તાલુકાના નળવાઇ ગામના વર્તમાન સરપંચ અને નિવૃત્ત આર્મી મેનના ઘરમાંથી ગરબાડા પોલીસે ગેરકાયદે દેશી હાથ બનાવટનો તમંચો ઝડપી પાડ્યાનું જાણવા મળ્યું છે. એક તરફ જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. અને આદર્શ આચાર સંહિતાનો કડક અમલ થઈ રહ્યો હતો. તેવા જ સમયે ગામના પ્રથમ નાગરિક પાસેથી ગેરકાયદે હથિયાર મળી આવતા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર રાદડિયા પોતાના સ્ટાફના પોલીસ કર્મચારીઓને સાથે લઈ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે નળવાઈ ગામના હાલના સરપંચ અને ભારતીય સેનાના નિવૃત્ત જવાન ધનજીભાઈ ખીમાભાઈ સંગાડાએ પોતાના ઘરમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો રાખેલ છે. જે બાતમીને આધારે ગરબાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અને પોલીસે સરપંચ ધનજીભાઈ સંગાડાના ઘરે ઓચિંતો છાપો મારી ઘરમાં ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ઘરમાંથી ગેરકાયદે રીતે રાખેલો દેશી હાથ બનાવટનો એક તમંચો પકડી પાડ્યો હતો. જેથી પોલીસે ગેરકાયદેસર હથિયાર ઘરમાં રાખવા સબબ સરપંચ ધનજીભાઈ સંગાડાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે હાલમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આદર્શ આચાર સહિતાનો કડક અમલ કરવામાં આવ્યો હતો. આવા સમયે ગામના ચૂંટાયેલા પ્રતિનિધિ અને આર્મીના નિવૃત્ત જવાન પાસેથી જ ગેરકાયદે હથિયાર મળી આવતા સદર ઘટના ચર્ચાનો વિષય બનવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!