લીમડીની કામધેનુ હોટલમાંથી આધેડ વેપારીની લાશ મળી આવતા ચકચાર
દાહોદ તા.૨૬
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ કામધેનુ હોટલના એક રૂમમાંથી મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા ગામે રહેતા ટાયર ના એક આધેડ વેપારીની લાશ મળી આવતા સમગ્ર ઝાલોદ પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ચોપડા ગામે અગ્રવાલ પેટ્રોલ પંપ નજીક આવેલ કેરાલા ટાયર્સના માલિક ૫૫ વર્ષીય જોમોન જોસ સિંધી નામના આધેડ વેપારીની લાશ લીમડી નગરની કામધેનુ હોટલના રૂમ નંબર-૨૦૨ માંથી ગતરોજ સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે મળી આવી હતી. આ સંબંધે લીમડી ગારીવાસમાં રહેતા અને ટાયર રીમોલ્ડિંગનો ધંધો કરતા પિયુષભાઈ મુકેશભાઈ ગારીએ લીમડી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા લીમડી પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને હોટલ કામધેનુના રૂમ નંબર ૨૦૨ માંથી મરણ જનાર જોમોન જોસ સિંધીની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામુ કરી લાશને પીએમ માટે લીમડી સરકારી દવાખાને મોકલી આપી આ સંદર્ભે સીઆરપીસી ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળિયા કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે. લીમડી કામધેનુ હોટલમાંથી મહારાષ્ટ્રના એક આધેડ વેપારીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

