ખેડા જિલ્લા ભાજપ દ્વારા નવા ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજાયો

નરેશ ગનવાણી નડિયાદ

સફળ સરપંચ થવા કેળવણી જરૂરી: સાંસદ દેવુસિંહ ચૌહાણ

ખેડા જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં ચૂંટાયેલા સરપંચોને સન્માનિત કરવા ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. નડિયાદના કમલમ કાર્યાલય ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રદેશના જુદા જુદા વિભાગોના આગેવાનો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા ખેડાના લોકસભા સાંસદ દેવુસિંહ ચૌહાણે નવી પસંદગી પામેલ સરપંચોને સંબોધિત કરતાં કહ્યું કે સફળ સરપંચ બનવા માટે કેળવણી અત્યંત મહત્વની છે. ગામના લોકો વચ્ચેના વેરભાવ ભૂલી સર્વાંગી વિકાસ માટે પ્રયાસશીલ રહેવું જોઈએ. ટેક્નોલોજીનો સદુપયોગ કરી આધુનિક ગામ બનાવવાનો મંત્ર દરેક સરપંચે આપોઆપ અપનાવવો જોઈએ.
આ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રાજ્ય સરકાર તરફથી મળતા અનુદાનનો ગામ વિકાસ માટે યોગ્ય ઉપયોગ કરવાની સલાહ આપતાં, કોઈ પક્ષપાત વિના સેવા આપવાનું મહત્વ રેખાંકિત કર્યું હતું. ખેડાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, માતરના કલ્પેશ પરમાર, ઠાસરાના યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજના રાજેશ ઝાલા, મહુધાના સંજયસિંહ મહિડા અને અન્ય પ્રતિનિધિઓએ પણ નવા સરપંચોને શુભેચ્છા પાઠવી હતી.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે માહિતી આપી હતી કે જિલ્લામાં ૯૦થી વધુ નવા સરપંચ ચૂંટાઈ આવ્યા છે. તેઓ ગામના સીધા પ્રતિનિધિ છે અને લોકવિકાસના સંકલ્પને સાકાર કરવા તેમની ભૂમિકા અગ્રમુખે રહેશે.
પ્રદેશ ભાજપના પ્રતિનિધિ અને જિલ્લા પ્રભારી કુશળસિંહ પઢેરિયાએ નવી જવાબદારી નિભાવવા માટે દરેક સરપંચને સમર્પિત ભાવથી કામ કરવાની અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં ભાજપના વિવિધ હોદ્દેદારો, પદાધિકારીઓ, મંડળ પ્રમુખો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નવા ચૂંટાયેલા તમામ સરપંચોને ભાજપના ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!