નડિયાદ ની સમસ્યાઓને લઈને કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરને આવેદનપત્ર
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ મહાનગરપાલિકા બનેને છે મહિના જેટલો સમય થવા છતાં શહેરની મુખ્ય સમસ્યાઓ યથાવત રહી હોવાનો આક્ષેપ કરતાં આજે નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા કમિશનરને ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવાયું. મહાનગરપાલિકા ચોર છે, સુવિધા નહીં તો ટેક્ષ નહીં જેવા નારા લગાવતાં કોંગ્રેસ કાર્યકરો અને નાગરિકોએ શહેરની પરિસ્થિતિ વિરુદ્ધ આવાજ ઉઠાવ્યો. કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું કે નડિયાદ શહેરમાં ગંદકી, ખાડાઓ, અયોગ્ય સફાઈ વ્યવસ્થા, બંધ સ્ટ્રીટ લાઈટો, રખડતા પશુઓ, તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ છે. તેમનું આક્ષેપ છે કે, સ્વચ્છ ભારત મિશન હેઠળ મળેલી ગ્રાન્ટો માત્ર કાગળ પર જ ઉપયોગમાં લેવાઈ છે. રસ્તાઓ અણગુણવત્તાવાળા સામગ્રીથી બનાવાતા હોવાને કારણે થોડા સમયમાં જ ખાડાઓ પડી જાય છે, છતાં વારંવાર ખર્ચ કરીને એ જ રસ્તાઓનું કામ થાય છે. આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રી-મોનસૂન કામગીરી સમયસર હાથ ધરાઈ નથી, જેના કારણે વરસાદ શરૂ થતાં જ શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. ભ્રષ્ટાચારના કેસોમાં સપડાયેલી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની બદલે ફરીથી કામ આપવામાં આવતું હોવાનો પણ આરોપ મૂકાયો છે.
કોંગ્રેસની મુખ્ય માંગણીમાં છેલ્લા પાંચ વર્ષના વિકાસકામોની ઉચ્ચ સ્તરીય તપાસ, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસર કાર્યવાહી, તેમજ મુખ્ય સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી છે. મહાનગરપાલિકામાં તાજેતરમાં સમાયેલ યોગીનગર, ડભાણ, ડુમરાલ, ફતેપુરા, કમળા, બિલોદરા, ઉત્તરસંડા, મંજીપુરા, ટુંડેલ અને પીપલગ જેવા ગામડાંઓમાં પણ પ્રાથમિક શહેરી સુવિધાઓનો ઘાટ જોવા મળે છે. આ વિસ્તારોમાં ગટર નિકાલ, કચરો ઉઠાણ, રસ્તા, અને સ્ટ્રીટ લાઈટ જેવી તાત્કાલિક જરૂરિયાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેના કારણે નાગરિકોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

