ઠાસરામાં પોણા ત્રણ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની અટકાયત
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર-સેવાલિયા રોડ પરથી ઠાસરા પોલીસની કાર્યવાહી, વડોદરા લઈ જવાતો જથ્થો પકડાયો
ઠાસરા પોલીસે બાતમીના આધારે ડાકોર-સેવાલિયા રોડ પર વોચ ગોઠવી એક કારમાંથી રૂપિયા ૨.૭૭ લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાનના એક ચાલકની ધરપકડ કરી છે. પોલીસે કાર, મોબાઇલ અને દારૂ મળી કુલ રૂપિયા ૭.૮૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઠાસરા પોલીસ મથકના પી.એસ.આઇ. રાવલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે બાલાસિનોર તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વડોદરા તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ડાકોર-સેવાલિયા રોડ પર આવેલા એક ભોજનાલય નજીક નાકાબંધી કરી વાહનોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું. દરમિયાન, બાતમી મુજબની શંકાસ્પદ કાર આવતા પોલીસે તેને અટકાવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડના કાચના ક્વાર્ટર અને બીયરના ટીન મળી કુલ ૧,૦૮૦ નંગ મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા ૨,૭૭,૪૪૦ થાય છે. પોલીસે કારના ચાલક રાજુ દોલા ડામોરની ધરપકડ કરી હતી. રાજુ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના રાફડાફળીયુ ગામનો વતની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે. પોલીસે તેની પાસેથી કાર, એક મોબાઇલ ફોન અને દારૂનો જથ્થો મળી કુલ રૂપિયા ૭,૮૩,૪૪૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના કુખ્યાત બુટલેગર સુરેન્દ્રસિંહે ભરી આપ્યો હતો અને તેને વડોદરા ખાતે પહોંચાડવાનો હતો. ઠાસરા પોલીસે ગુનો નોંધી, મુખ્ય સૂત્રધાર સુરેન્દ્રસિંહને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
