રખડતા ઢોરોને પાંજરે પુરવાની ચીફ ઓફિસરે આપેલ હૈયાધારણ હવામાં ઓગળી ગઈ : દાહોદમાં રખડતા ઢોરો અને કુતરાથી દાહોદવાસીઓ ત્રાહિમામ : બાળકોને શાળાએ લાવવા લઈ જવામાં પણ કૂતરાનો ડર સતાવી રહ્યો છે



દાહોદ તા.૨૦
સ્માર્ટ સીટી દાહોદમાં રખડતા ઢોરો અને કુતરાના આતંકથી ત્રાહિમામ પોકારી ગયેલા દાહોદવાસીઓએ આઠેક માસ અગાઉ આ મામલે પાલિકાના ચીફ ઓફિસરને આપેલ આવેદનપત્ર બાદ ચીફ ઓફિસરે તે વખતે ૧૫મી ડિસેમ્બર સુધીમાં દાહોદવાસીઓને રખડતા ઢોરો તેમજ કુતરાના આતંકથી મુક્તિ અપાવવાની મૌખિક હૈયાધારણ આપી હતી. એ વાતને આજે આઠ આઠ મહિના વીતી ગયા છતાં તે ચીફ ઓફિસર પોતે આપેલ હૈયા ધારણને પૂર્ણ કરી દાખલોદવાસીઓને રખડતા ઢોર તથા કુતરાના આતંકથી મુક્તિ અપાવવામાં વામણા પુરવાર થતાં તે આતંક આજે પણ યથાવત રહ્યો છે. ત્યારે ગત દિવસોમાં જ નવા આવેલા ચીફ ઓફિસર પાસે દાકોદવાસીઓ ઘણી બધી સમસ્યાઓના કાયમી નિકાલની અપેક્ષાઓ રાખી રહ્યા છે.
દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય વર્ષોથી રખડતા ઢોરો અને આવારા કુતરાઓના આતંકે શહેરીજનોને તોબા પોકારાવી દીધી છે. દાહોદ પાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોમાં આ કેટલાય પ્રમુખો બદલાયા અને કેટલાય ચીફ ઓફિસરો આવ્યા અને ગયા અને દરેકે આ મામલે દાહોદ વાસીઓને લોલીપોપ તો જરૂર આપી હતી. પરંતુ કોઈએ પણ દાહોદ વાસીઓને આ સમસ્યામાંથી છૂટકારો અપાવવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી. જેને કારણે આજ દિન સુધી આ સમસ્યા શહેરમાં ઠેરની ઠેર રહેવા પામી છે. દાહોદ શહેરમાં દિવસ દરમિયાન કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં રખડતા ઢોરોના ધામા ન હોય. હાલ શહેરના લગભગ તમામ માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવી સ્પીડ બ્રેકરની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે. કારણકે રખડતા ઢોરને જોઈ તમામ વાહન ચાલકોને પોતાનું વાહન ધીમુ કરવાની ફરજ પડે છે. આજ દિન સુધીમાં દાહોદમાં રખડતા ઢોરના હુમલાના કઈ કેટલાય લોકો ભોગ બન્યા છે. એમાંય વળી એક બે જણાએ તો પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. કુતરાના આતંકની વાત કરીએ તો ગત ડિસેમ્બર માસમાં એક જ દિવસમાં ૨૦થી વધુ લોકોને કૂતરું કરડતા શહેરમાં હાહાકાર મચી ગયો હતો અને કુતરાના આતંકનો ભોગ બનેલા તમામને હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું. રખડતા કૂતરાના આતંકને કારણે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને મોર્નિંગ વોકમાં નીકળવું ભારે થઈ પડ્યું છે. તેમજ બાળકોને શાળામાં મૂકવા તેમજ લેવા જવા આવવામાં વાલીઓને પણ કૂતરાનો આતંક સતાવીને ભયભીત કરી રહ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વાહનો પાછળ કુતરા દોડતા હોવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે આ તમામ સમસ્યાઓના નિરાકરણની માગણીને લઈને ગત જાન્યુઆરી માસમાં દાહોદના જાગૃત નાગરિકો એ રેલી સ્વરૂપે નગરપાલિકા ખાતે આવી પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. અને તે સમયે ચીફ ઓફિસરે ૨૫ મી ડિસેમ્બર સુધીમાં રખડતા ઢોરો પકડવાની કામગીરી શરૂ કરી દેવાની મૌખિક હૈયાધારણ આપી હતી. અને સમય જતા તે હૈયા ધારણ પણ હવામાં ઓગળી જઈ માત્ર ને માત્ર લોલીપોપ સાબિત થઈ હતી. જેને કારણે આજે પણ રખડતા ઢોરો અને કુતરાઓનો આતંક યથાવત રહેતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરો અને કુતરાના આતંકનો મામલો કલેકટર કચેરી સુધી પણ પહોંચ્યો હતો. અને કુતરાના આતંકનો ભોગ બનેલા હનુમાન બજાર ખાતે રહેતા એક વિદ્યાર્થીના વાલીએ તો આ મામલે દાહોદ પોલીસમાં પાલિકાના જવાબદાર સત્તાધીશ વિરુદ્ધ ફરિયાદ પણ કરી હતી. આવા રખડતા ઢોરોના આતંકને કડક ખાતે ડામવાની જવાબદારી કોની? જેની જવાબદારી છે, તેને જ રખડતા ઢોરો તથા કુતરાના હુમલાનો ભોગ બનેલા નિર્દોષ દાહોદવાસીઓનો દવા- સારવારનો ખર્ચ પણ ભોગવવો જોઈએ. સ્થાનિક તંત્રની લાપરવાહીની સજા નિર્દોષ શહેરીજનો શા માટે ભોગવે? તેવો લોકમત શહેરભરમાં પ્રવર્તી રહ્યો છે. ગત દિવસોમાં જ દાહોદના ચીફ ઓફિસર વાઘેલાની બદલી થતાં તેમની જગ્યાએ બીજા ચીફ ઓફિસર આવ્યા છે. અને તેમનો પદ ભાર પણ સંભાળી લીધો છે. ત્યારે આ ચીફ ઓફિસર દાહોદ વાસીઓ ની રખડતા ઢોરો અને કુતરાના આતંક જેવી સળગતી સમસ્યાને કડક હાથે ડામવા નૈતિકતાથી નિષ્ઠાપૂર્વક પ્રયાસ હાથ ધરી દાહોદ વાસીઓને આ સમસ્યામાંથી ક્યારે મુક્તિ અપાવશે તે હવે જોવું રહ્યું!!!!! લાખોના ખર્ચે લાવેલ ડોગ કેયર વાન ધૂળ ખાઈ રહ્યું છે…………………. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરોના આતંકની સાથે સાથે આવારા કુતરાઓનો આતંક પણ શહેરીજનો માટે જોખમની સાથે સાથે ચિંતાનો વિષય પણ બન્યો છે. ત્યારે આવારા કૂતરાની આ સમસ્યાને ડામવા દાહોદ નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે ડોગ કેયર વાન લાવવામાં આવ્યું છે. પરંતુ તેનો ઉપયોગ કરવાના બદલે છેલ્લા કેટલાય સમયથી તે ડોગ કેયર વાન સીટી ગ્રાઉન્ડમાં ધૂળ ખાતું પડ્યું છે. ત્યારે આ ડોગ કેયર વાનનો ઉપયોગ જેમ બને તેમ વહેલી તકે કરવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે.


https://shorturl.fm/113Ma