દેવગઢ બારીયાના ખાંડણીયા ગામે ટ્રેક્ટર પલટી ખાઈ જતા એકનું મોત: ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજા.

દેવગઢ બારીયાના ખાંડણીયા ગામે ટ્રેક્ટર પલટી ખાઈ જતા એકનું મોત: ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજા

ગઈકાલે રાતે દેવગઢ બારીયા તાલુકાના ખાંડણિયા ગામે વેડ ફળિયામાં પોતાનું ખેતર ખેડી ડાંગર વાવી ટ્રેક્ટર લઈ પરત ઘરે આવતાં, ટ્રેક્ટર ખેતરના સેઢા પર પલટી ખાઈ જતાં ટ્રેક્ટરના ડ્રાઇવરની સાથે બેઠેલ યુવક ટ્રેક્ટર નીચે દબાઈ જતા ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટરના ડ્રાઇવરને પણ ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર માટે દેવગઢ બારીયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું સત્તાવાર જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ખાંડણીયા ગામે રહેતા ભોપતભાઈ વાઘાભાઈ બારીયા કાસટીયા ગામના નિશાળ ફળિયાના હિંમતભાઈ બલસિંગભાઈ બારીયાને સાથે લઈ પોતાનું સોનાલીકા કંપનીનું જીજે ૨૦એ.એચ-૭૧૫૭ નંબરનું ટ્રેક્ટર લઈ ખાંડણીયા ગામે વેડ ફળિયામાં ભોપતભાઈના ખેતરમાં ખેડાણ કરવા તેમજ ડાંગરનું વાવેતર કરવા ગયા હતા. અને ખેતરમાં ખેડાણ કરી ડાંગર વાવી તેઓ રાત્રિના સાડા સાત વાગ્યા બાદ પોતાનું ટ્રેક્ટર લઈ પરત ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટરની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપ અને ચાલકની ગફલતને કારણે ટ્રેક્ટર ખેતરના શેઢા પર જ પલટી ખાઈ જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ભોપતભાઈ વાઘાભાઈ બારીયાની સાથે બેઠેલ કાસટીયા ગામના નિશાળ ફળિયાના હિંમતભાઈ બલસિંગભાઈ બારીયા ટ્રેક્ટર નીચે દબાઈ જતાં તેને મોઢાના ભાગે, જમણા હાથે તથા કમરના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે ટ્રેક્ટર ચાલક ભોપતભાઈ વાઘાભાઈ બારીયાને શરીરે ગંભીર જાઓ થવા પામી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ સાગટાળા પોલીસને કરતા સાગટાળા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. અને ગંભીર ઇજાગ્રસ્ત ટ્રેક્ટર ચાલક ભોપતભાઈ વાઘાભાઈ બારીયાને સારવાર માટે ૧૦૮ મારફતે દેવગઢબારિયા સરકારી દવાખાને મોકલી આપ્યા બાદ પોલીસે સ્થળ પર મરણ જનાર કાસટીયા ગામના નિશાળ ફળિયાના હિંમતભાઈ બલસિંગભાઈ બારીયાની લાશનો કબજો લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી પોસ્ટ મોર્ટમ માટે લાશને દેવગઢબારિયા સરકારી દવાખાને મોકલી આપી હતી. આ સંબંધે મરણ જનાર હિંમતભાઈ બલસિંગભાઈ બારીયાના પુત્ર દશરથભાઈ હિંમતભાઈ બારીયાએ સાગટાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સોનાલીકા કંપની ના ટ્રેક્ટરના ચાલક ભોપતભાઈ વાઘાભાઈ બારીયા વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!