કેડીસીસી બેંક હવે ‘ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ’ તરીકે ઓળખાશે
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાની જાણીતી KDC બેંક, જે છેલ્લા ૭૭ વર્ષથી સેવાઓ પૂરી પાડી રહી છે, તે હવે “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” તરીકે ઓળખાશે. રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) એ ‘કૈરા’ ને બદલે ‘ખેડા’ નામકરણને મંજૂરી આપી છે, જે બેંકના સંચાલક મંડળના સતત પ્રયાસોનું પરિણામ છે. અંગ્રેજોના ઉચ્ચારણ પર આધારિત ‘કૈરા’ નામ ભૂતકાળ અને ગુલામીનું પ્રતીક હતું. સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ખેડા સાથે જોડાયેલી આ બેંકને ૧૯૪૯માં સ્થાપના સમયે RBI દ્વારા અંગ્રેજીમાં ‘કૈરા’ અને હિન્દીમાં ‘ખેડા’ એમ બે નામોનું લાયસન્સ અપાયું હતું, જેનાથી મૂંઝવણ થતી હતી. ‘કૈરા’ નામનું કોઈ ગામ અસ્તિત્વમાં ન હોવાથી અને વર્તમાન પેઢીને તેની જાણકારી ન હોવાથી ગેરસમજ થતી.
આ સમસ્યાને દૂર કરવા માટે, બેંકના સંચાલક મંડળે સાધારણ સભામાં ઠરાવ પસાર કરીને RBI સમક્ષ નામ સુધારણા માટે દરખાસ્ત કરી હતી. RBI દ્વારા આ દરખાસ્તને મંજૂરી મળતા, આજથી “ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ” નામ સત્તાવાર રીતે અમલમાં આવ્યું છે.
બેંકના ચેરમેન અને સંચાલક મંડળે આ ઐતિહાસિક પરિવર્તન બદલ તમામ ગ્રાહકો અને સભાસદોને અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું છે કે આ નવા નામ સાથે બેંકની સેવાઓ ભવિષ્યમાં વધુ ઉત્કૃષ્ટ બનશે અને “ખેડા” નામ સાથે બેંક ગ્રાહકોને શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડવા કટિબદ્ધ છે.

