રખડતા ઢોરોની સમસ્યા સામે શહેરીજનોમાં ભારે રોષ.

દાહોદ

દાહોદ પાલિકા દ્વારા જાહેર માર્ગો પર રખડતા ઢોરો પકડવાની કવાયત ક્યારે શરૂ કરાશે?

ઢોરોને છૂટા મૂકી દેનાર પશુપાલકો સામે દંડનીય કાર્યવાહી જરૂરી

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શહેરી વિસ્તારોમાં રખડતા ઢોર અને આવારા કુતરાઓના આતંકને કારણે દાહોદવાસીઓની દૈનિક જીવનશૈલી પર ગંભીર અસર પડી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને વસાહતી વિસ્તારોમાં આ ઢોરો તથા કુતરાઓ નો ઉપદ્રવ વધતા શહેરના તમામ વિસ્તારો ડેન્જર ઝોનમાં હોવાની પ્રતીતિ થતા તથા માર્ગો ઉપર દુર્ઘટનાઓ સર્જાવાની ભીતિ વધતા શહેરીજનોમાં અસંતોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. દાહોદ શહેરના જુના ઈન્દોર રોડ, પડાવ ચોક, બહારપુરા, હનુમાન બજાર, મંડાવાવ ચોકડી, દરજી સોસાયટી, ગોવિંદ નગર,આશીર્વાદ ચોક, પાલિકાચોક, સ્ટેશનરોડ, ગોધરારોડ, ગોદી રોડ સહિત શહેરના અનેક માર્ગો તેમજ વસાહતી વિસ્તારોમાં રખડતા ઢોરો રોડની વચ્ચે બેસી રોડ અવરોધતા નજરે પડી રહ્યા છે. તો ક્યારેક આ ઢોરો વાહનોની સામે અચાનક આવી જતાં અકસ્માત સર્જાવવાની શક્યતાઓ પણ વધી રહી છે. ખાસ કરીને બાઈક સવાર અને રાહદારીઓની આવા સંજોગોમાં કફોડી સ્થિતિ થાય છે. અને નાની મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. કેટલાક ઢોર માલિકો પોતાના ઢોરોને રખડવા માટે શહેરમાં છુટ્ટા મૂકી દે છે. જે શહેરીજનો માટે આફત રૂપ બન્યા છે. શહેરમાં કેટલીક ઘટનાઓમાં નાના બાળકોને વૃદ્ધ નાગરિકો ઉપર રખડતા ઢોરોએ હુમલો પણ કર્યો હોવાનું અને એક વૃદ્ધનું તો મોત પણ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના નાગરિકો અને સામાજિક કાર્યકરો દ્વારા વિવિધ માધ્યમો દ્વારા નગરપાલિકા ના જવાબદારોને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે શહેરમાં રખડતા તમામ ઢોરોને પાંજરે પુરવાની માંગ કરાઈ છે. અને જે તે સમયે જવાબદારો દ્વારા હૈયા ધારણ પણ આપવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં તે હૈયાધારણ માત્રને માત્ર લોલીપોપ સાબિત થઈને રહી જવા પામી છે. આ મામલે પાલિકાના જવાબદારો કુંભકર્ણ નિંદ્રામાંથી ક્યારે જાગશે અને રખડતા ઢોરોને પાંજરે પૂરી, રખડતા ઢોરોની આ ગંભીર સમસ્યામાંથી દાહોદવાસીઓ ને ક્યારે છુટકારો અપાવશે તે હવે જોવું રહ્યું!!!!!

9 thoughts on “રખડતા ઢોરોની સમસ્યા સામે શહેરીજનોમાં ભારે રોષ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!