રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું
સુભાષ એલાણી
દાહોદ તા.૫
આજ રોજ શિક્ષક દિન નિમિત્તે બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિંલ, દાહોદ ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને બિરદાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના ૪ શ્રેષ્ઠ શિક્ષકો અને તાલુકા કક્ષાના ૧૮ શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરીને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજય કક્ષાના મંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસંવતસિંહ ભાભોરે મોમેન્ટો, સાલ, પુસ્તકો આપીને શિક્ષકોનું સન્માન કર્યું હતું.
શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતાં રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો . સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કર્યા હતા અને શિક્ષકની વ્યાખ્યા કરતાં જણાવ્યું હતું કે, ક્ષણે ક્ષણે જે નવું શીખવે તે શિક્ષક. વિદ્યાર્થીના અને એમ કરીને સમગ્ર દેશના ચારિત્ર ઘડતરનું ઉમદા કાર્ય શિક્ષક કરે છે. શિક્ષકનું સ્થાન આપણા દેશમાં ઇશ્વરથી પણ ઊંચું ગણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીના જીવન ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની છે.
તેમણે જણાવ્યું કે, અહીં સન્માનિત થનારા શિક્ષકોની ભૂમિકા હવે બેવડાય છે. તેમણે હવે બીજા શિક્ષકોને પ્રેરણા મળે તેવું કાર્ય કરવાનું છે. જિલ્લાના વિદ્યાર્થીને શિક્ષણ માટે કયાંય પણ બહાર ન જવું પડે તેવું શિક્ષણ શિક્ષકોએ આપવાનું છે. સરકાર દ્વારા પણ દાહોદમાં એન્જીનિયરિંગ અને મેડીકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે દાહોદના વિદ્યાર્થીઓ દેશમાં જ નહીં, વિશ્વસ્તરે પોતાની પ્રતિભા ઝળકાવે તેની જવાબદારી જિલ્લાના ૧૪ હજારથી વધુ શિક્ષકોએ નિભાવવાની છે. તમારે શિક્ષક તરીકે તમારૂ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારે જાહેર કરેલી શિક્ષણ નીતિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને નવા ભારતના નિર્માણમાં નવી શિક્ષણનીતિનું મોટું પ્રદાન રહેશે તેમ જણાવતા કહ્યું કે, નવી શિક્ષણનીતિ સમાનતા, ગુણવત્તા, સુલભતા અને જવાબદેહિતાના પાયા પર તૈયાર કરવામાં આવી છે. હવે બાળકોને ૩ વર્ષની ઉંમરથી જ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવશે. અદ્યતન આંગણવાડી તૈયાર કરાશે. અને આંગણવાડી કાર્યકતાઓને તાલીમ અપાશે. અલગ અલગ પ્રવાહના વિષયોની પસંદગીમાં વિદ્યાર્થીઓને મોકળાશ રહેશે. ધોરણ ૬ થી ૮ માં તેમને સ્કીલ પણ શીખવાશે. દર પાંચ વર્ષે આ નીતિનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ શ્રી જસંવતસિંહ ભાભારે જણાવ્યું કે, આજનો દિવસ ગૌરવવંતો દિવસ છે. નવા ભારતના નિર્માણના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને આપ સૌ શિક્ષકોએ સાકાર કરવાનો છે. અત્યારે જિલ્લામાં એન્જીનિયરિંગ કોલેજ અને મેડીકલ કોલેજ છે. દરેક તાલુકામાં વિજ્ઞાન શાળા અને વિજ્ઞાન મહાવિધાલય ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. હવે દાહોદ જિલ્લાના શિક્ષકો ઉપર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરની મોટી જવાબદારી છે. બાળકોમાં ચારિત્ર, વિવેક, મર્યાદાનું શિક્ષકે સિંચન કરવાનું છે. શિક્ષકો પોતાની જવાબદારી બખૂબી નિભાવે તો દેશને ઉન્નત-વિકસીત થતાં કોઇ નહી રોકી શકે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગીએ પૂર્વ રાષ્ટ્રપતી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવનસંઘર્ષને યાદ કરી તેમનામાંથી સૌ શિક્ષકો પ્રેરણા મેળવે તેમ જણાવ્યું હતું.
જિલ્લાના ૪ શ્રેષ્ઠ શિક્ષકોને રૂ. ૧૫ હજાર, મોમેન્ટો, સાલ, પૂસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તાલુકાના ૧૮ શિક્ષકોને રૂ. ૫ હજાર, મોમેન્ટો, સાલ, પુસ્તકો આપી સન્માનિ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કાજલબેન દવે, આગેવાન શ્રી સુધીરભાઇ લાલપુરવાલા,બ્લાઇન્ડ વેલ્ફેર કાઉન્સિલ સંસ્થાના શ્રી યુસુફભાઈ કાપડીયા,જિલ્લાના વિવિધ શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod

