નડિયાદમાં જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો મુદ્દે રહીશોને કોર્ટનો હંગામી સ્ટે

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ શહેરમાં જર્જરિત હાલતમાં રહેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો ખાલી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અપાયેલી નોટિસ બાદ, જવાહરનગર અને વિશ્વ નગર ફ્લેટ વિસ્તારના રહીશોએ કોર્ટનો આશરો લીધો છે. કોર્ટે આગામી ૩૧ જુલાઈ સુધી પાણી અને વીજળીનું કનેક્શન ન કાપવા માટે મહાનગરપાલિકાને તાકીદ કરી છે, જેનાથી રહીશોને હંગામી રાહત મળી છે.
ગત ચોમાસામાં પ્રગતિનગરના હાઉસિંગ બોર્ડના મકાનો ધરાશાયી થયા બાદ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ, મહાનગરપાલિકા દ્વારા શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચાલુ વર્ષે, જવાહરનગર અને વિશ્વ નગર ફ્લેટ વિસ્તારમાં આવેલા કેટલાક મકાનોને અત્યંત જર્જરિત અને જોખમી જાહેર કરીને તેને ઉતારી લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોને મે ૨૦૨૫ માં પહેલી નોટિસ આપવામાં આવી હતી અને ત્યારબાદ ૨૩ જૂને બીજી નોટિસ આપીને મકાનો ખાલી કરવા તાકીદ કરી હતી. આ નોટિસના પગલે, જાગૃતિ ફ્લેટ એસોસિએશન દ્વારા મહાનગરપાલિકા સામે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, કોર્ટે આ મામલે આગામી ૩૧ જુલાઈની મુદત આપી છે. ત્યાં સુધી, કોર્ટે મહાનગરપાલિકાને રહીશોના પાણી અને વીજળીના કનેક્શન ન કાપવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ હંગામી સ્ટેથી, હાઉસીંગ બોર્ડના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

9 thoughts on “નડિયાદમાં જર્જરિત હાઉસિંગ બોર્ડના મકાનો મુદ્દે રહીશોને કોર્ટનો હંગામી સ્ટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!