તાઇપેઇ એશિયન કપ ૨૦૨૫: રાહી ઘેલાણીએ જૂડોમાં સુવર્ણચંદ્રક જીતી ભારતનું ગૌરવ વધાર્યું
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ: ભાવનગરના નારી ગામની વતની અને ગુજરાત સરકારના યુથ એન્ડ સ્પોર્ટ્સ કલ્ચરલ ડિપાર્ટમેન્ટ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા સંચાલિત હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ સેન્ટર (HPTC), નડિયાદની જુડો ખેલાડી રાહી રાજેશભાઈ ઘેલાણીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. તાજેતરમાં તાઇવાનના તાઈપેઈ ખાતે યોજાયેલ તાઇપેઇ એશિયન કપ ૨૦૨૫માં રાહીએ ૪૪ કિલો વર્ગમાં સુવર્ણચંદ્રક જીતી ભારત અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
૧૫ થી ૧૬ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન યોજાયેલી આ સ્પર્ધામાં રાહીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. એલિમિનેશન રાઉન્ડથી શરૂ કરીને પ્રી-ક્વાર્ટર, ક્વાર્ટર અને સેમિફાઇનલમાં આસાનીથી જીત મેળવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ફાઇનલ મુકાબલો યજમાન દેશ તાઇવાનની યાંગ ઝી-યુ સામે હતો. ભારે રસાકસી બાદ, અંતિમ ક્ષણોમાં રાહીએ પોતાની હરીફને ગ્રાઉન્ડમાં હોલ્ડિંગ ટેકનિકથી પકડીને જીત હાંસલ કરી હતી. વિજય બાદ જ્યારે પોડિયમ પર ભારતનો ત્રિરંગો સૌથી ઉપર લહેરાયો અને રાષ્ટ્રગીત વાગ્યું, તે ક્ષણ ખૂબ જ ગર્વથી ભરેલી હતી.
રાહીના કોચ વ્રજ ભૂષણસિંહ રાજપૂત અને શીતલ શર્માએ જણાવ્યું કે રાહીની આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી થયા બાદ છેલ્લા છ મહિનાથી તેની સઘન તાલીમ ચાલી રહી હતી. સ્ટ્રેન્થ કન્ડિશનિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ, ન્યુટ્રિશનિસ્ટ અને સાયકોલોજિસ્ટની ટીમ પણ તેની સાથે કાર્યરત હતી. ઉલ્લેખનીય છે કે, તાઇવાન જતા પહેલાં માત્ર દસ દિવસ અગાઉ જ રાહીએ તાશ્કંદ ખાતે યોજાયેલ એશિયન કપ ૨૦૨૫માં પણ ભારત માટે સુવર્ણચંદ્રક જીત્યો હતો. આમ, રાહીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સતત બે ગોલ્ડ મેડલ જીત્યા છે.
વર્તમાન સમયમાં રાહી ઘેલાણી ૨૦૦ પોઈન્ટ સાથે જુડોના વર્લ્ડ રેન્કિંગમાં ૧૨મા સ્થાને છે, જે ટોચના ૧૬ ખેલાડીઓમાં તેનું સ્થાન દર્શાવે છે. હવે રાહી આગામી સમયમાં બલ્ગેરિયાના સોફિયા ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશિપ કેડેટ જુડો સ્પર્ધામાં ભાગ લેવા જવાની છે, જ્યાં તે પોતાના વર્લ્ડ રેન્કિંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે. રાહીની આ સિદ્ધિ ભારત અને ગુજરાત માટે એક કિંમતી રત્ન સમાન છે અને તે ધીરે ધીરે ઓલિમ્પિક તરફ મક્કમતાથી આગળ વધી રહી છે. તેના માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી વિશેષ સહકાર અને સુવિધાઓ મળવી જરૂરી છે.

