લીમખેડાની ચીલાકોટા ગ્રામ પંચાયતનો કોમ્પ્યુટર ઓપરેટર રૂપીયા એક હજારની લાંચ લેતાં એસીબી પોલીસના હાથે રંગે હાથ ઝડપાયો
દાહોદ તા.૦૨
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચીલાકોટા ગ્રામ પંચાયતમાં જન્મના દાખલા કાઢી આપતો એક કોમ્પ્યુટર ઓપરેટર અરજદાર પાસેથી રૂપીયા એક હજારની લાંચ લેતાં પંચમહાલ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં જિલ્લાની ગ્રામ પંચાયત આલમમાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટ્રાચારએ માછા મુકી છે. જાણે તમામ સરકારી કચેરીઓથી લઈ પંચાયતોમાં નાણાં વગર કામ થતું ન હોવાના ખુદ અરજદારો આક્ષેપો પણ કરતાં આવી રહ્યાં છે. આવા સમયે લીમખેડાના ચીલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે આજરોજ એક અરજદારને પોતાની દિકરીઓના શાળા તરફથી આધારકાર્ડ કઢાવવા ફરજીયાત હોઈ અને તેમાં જન્મના દાખલાની જરૂર હોઈ આ માટે દિકરીઓના પિતા જન્મના દાખલા લેવા માટે ચીલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યાં હતાં જ્યાં મામલતદાર કચેરીમાંથી દાખલો મેળવવાની કાર્યવાહી કરવા કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો સોલંકી દિનેશભાઈ માધુભાઈ (રહે. ચીલાકોટા, તા.લીમખેડા, જિ.દાહોદ) નાએ અપ્રાપ્ય ફોર્મ નંબર-૧૦ ભરી આપ્યું હતું. અને તે માટે દિકરીઓના પિતા પાસેથી રૂપીયા એક હજાર નક્કી કરી આ એક હજારની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ દિકરીઓના પિતા આપવા માંગતા ન હોય જેથી દિકરીઓના પિતાએ એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને આજરોજ પંચમહાલ એસીબી કચેરીના ટ્રેપીંગ અધિકારી એચ.પી. કરેણ અને તેમની ટીમે લીમખેડાના ચીલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચનું છટકુ ગોઠવ્યું હતું અને કોમ્પ્યુટર ઓપરેટર સોલંકી દિનેશ દિકરીઓના પિતા પાસેથી લાંચની એક હજારની રકમ લેતાં પંચમહાલ એસીબીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં ચીલાકોટા ગ્રામ પંચાયત કચેરી ખાતે સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આ સંબંધે પંચમહાલ એસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

