દાહોદના રાબડાલ નજીક ઇન્દોર- અમદાવાદ હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત.
દાહોદના રાબડાલ નજીક ઇન્દોર- અમદાવાદ હાઇવે પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માત
ટેન્કરની ટક્કરે ૩૫ વર્ષીય બાઈક ચાલકનું સ્થળ પર જ મોત
ટેન્કર ચાલક પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી પલાયન
ગત રાતે દાહોદના રાબડાલ નજીક ઇન્દોર-અમદાવાદ હાઈવે પર દાહોદ થી વડોદરા તરફ જઈ રહેલ મોટરસાયકલને પૂરપાટ દોડી આવતા ટેન્કરની ટક્કર વાગતાં સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચિલાકોટા ગામના ૩૫ વર્ષીય લાલાભાઇ છતરાભાઈ મેડા ગઈકાલે દિવસ દરમિયાન દાહોદમાં પોતાના સગા સંબંધીને ત્યાં રોકાયા હતા. અને રાતે પોતાની જી.જે.૨૦બી.કે- ૭૭૦૯ નંબરની મોટરસાયકલ પર દાહોદથી વડોદરા જવા નીકળ્યા હતાં. તે દરમિયાન રસ્તામાં દાહોદ નજીક ગામે રાબડાલ ગામે ઇન્દોર-અમદાવાદ હાઈવે પર માતેલા સાંઢની જેમ યમદૂત બની પુરપાટ દોડી આવતા એમપી પાસીંગના એમપી ૦૯એચ.એચ-૪૭૧૧ નંબરના એચપી ગેસના ટેન્કરે લાલાભાઇ છતરાભાઈ મેડાની મોટરસાયકલને જોશભેર ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક લાલાભાઇ મેડા મોટરસાયકલ પરથી ફંગોળાઈ રોડ પર પટકાતાં તેઓને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું સ્થળ પર જ અરેરાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે ટેન્કર ચાલક તેના કબજાનું ટેન્કર સ્થળ પર જ છોડી પલાયન થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ દાહોદ તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મરણ જનાર ચીલાકોટા ગામના લાલાભાઇ છતરાભાઈ મેડાની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે લાશને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી ટેન્કર ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


https://shorturl.fm/v8cWP