ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને છ મહિનાથી પગાર રક્ષાબંદન પહેલા ન ચૂકવતા આંદોલનનો માર્ગ અપનાવશે
ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને છ મહિનાથી પગાર ચૂકવાયો નથી
રક્ષાબંધનનો તહેવાર પણ બગાડવાની ભીતિ
રક્ષાબંધન પહેલા પગાર નહીં થાય તો આંદોલનનો માર્ગ અપનાવશે
ફતેપુરા ગ્રામ પંચાયતમાં વાલ્મિકી સમાજના સફાઈ કામદારો ગામની ગલીઓને સ્વચ્છ રાખવા દિવસ- રાત સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેઓને છેલ્લા છ માસથી પગાર ચૂકવાયો નથી. જેના કારણે તેઓના પરિવારો આર્થિક સંકટની ગર્તામાં ધકેલાઈ ગયા છે. આ કામદારો જેઓ પોતાની મહેનતથી ગામને સાફ સુથરું રાખે છે, તેઓ છેલ્લા છ છ મહિનાથી ઉછીના પૈસા અને ઉધારના સામાનના સહારે જીવન ગુજારી રહ્યા છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાં કામદારોમાં ભય વ્યાપી રહ્યો છે કે, ૯ ઓગસ્ટ પહેલાં પગાર નહીં મળે તો તેઓનો રક્ષાબંધનનો તહેવાર ફીક્કો રહેશે. આ મામલે મહિલા સફાઈ કામદાર સવિતાબેને આક્રોશ સાથે જણાવ્યું કે, અમે ગામની સ્વચ્છતા માટે અથાગ મહેનત કરીએ છીએ, પરંતુ છેલ્લા છ મહિનાથી અમોને પગાર નથી મળ્યો. સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા અને કરિયાણાની દુકાનેથી ઉધાર સામાન લઈને પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ. પૂર્વ સરપંચ કચરુભાઈ પ્રજાપતિ અમને પગારમાં વિલંબ થાય તો ઉપાડ આપતા, જેનાથી થોડી રાહત મળતી હતી. પરંતુ નવા સરપંચ પ્રવીણ પંચાલને આ મામલે વારંવાર રજૂઆત કરવા છતાં ફક્ત વાયદા પર વાયદા જ કરે છે. કોઈ ઉકેલ આવતો નથી. સ્થાનિકો અને કામદારોએ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પર આરોપ લગાવ્યો છે કે, ગરીબ સફાઈ કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે. એક કામદારે પ્રશ્ન ઉઠાવ્યો કે, જે લોકો ગામને સ્વચ્છ રાખે છે, તેમની સાથે આવું વર્તન કેમ? સમયસર પગાર ચૂકવવામાં કેમ વિલંબ થાય છે? આ બાબતે કામદારોએ ગ્રામ પંચાયત પાસે તાત્કાલિક પગાર ચુકવણીની માગણી કરી છે. જેથી તેમના પરિવારની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે. આ મુદ્દે ફતેપુરા ગ્રામ પંચાયતના નવા સરપંચ પ્રવીણ પંચાલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, મેં થોડા દિવસ પહેલા જ સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. હાલમાં ગ્રામ પંચાયતના બેંક ખાતાઓમાં સહીના નમૂના બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે એક બે દિવસમાં પૂર્ણ થઈ જશે. ત્યારબાદ તમામ કર્મચારીઓના બાકી પગાર તાત્કાલિક ચુકવવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં કામદારોને હાથ પેટે નાણા આપવામાં આવ્યા છે જે પગાર ચૂકવાયા બાદ પરત લેવાશે. આગામી સમયમાં સમયસર પગાર મળે તે માટે તલાટી કમ મંત્રીને સુચનાઓ આપી દેવામાં આવી છે. આ નિવેદન છતાં કામદારોમાં નારાજગી યથાવત છે. તેઓનું કહેવું છે કે, વાયદા નહીં પરંતુ કાર્યવાહીની જરૂર છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે. અને આ સફાઈ કામદારો ન્યાયની આશા સાથે ગ્રામ પંચાયત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. આ ઘટનાએ ગામની વહીવટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. જો સફાઈ કામદારો નો સમયસર પગાર નહીં ચૂકવાય તો તેઓનો આક્રોશ વધુ ઉગ્ર બની આંદોલનમાં ફેરવાઈ શકે છે.


https://shorturl.fm/lJ5l4
https://shorturl.fm/xgjM3