ડાકોર નજીક ગમખ્વાર અકસ્માત: પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારતાં બે યુવાનોનાં મોત
નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાએ બાઇક સવારને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બંને યુવાનોનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મહુધા તાલુકાના અલીણા ગામના રહેવાસી નીરવભાઈ સુરેશભાઈ તળપદા (ઉ.વ. ૨૧) અને ગળતેશ્વર તાલુકાના કોસમ ગામના હસમુખભાઈ હાથીભાઈ પરમાર ગઈકાલે મોટરસાયકલ પર ડાકોર તરફ જઈ રહ્યા હતા. મોટરસાયકલ હસમુખભાઈ ચલાવી રહ્યા હતા અને નીરવભાઈ પાછળ બેઠા હતા.
ડાકોર નજીક ગાયોના વાડા પાસે પહોંચતા જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ડાલાએ તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટના બાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નીરવભાઈ તળપદા અને હસમુખભાઈ પરમારનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


https://shorturl.fm/lTTaP