કલા મહાકુંભ તાલુકાકક્ષા સ્પર્ધામાં કલાકારો ‘હર ઘર તિરંગા’ કેમ્પેનમાં જોડાયા

નરેશ ગનવાણી નડિયાદ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તક કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કલામહાકુંભ-૨૦૨૫-૨૬ તાલુકાકક્ષા સ્પર્ધાનું આયોજન ખેડા જિલ્લાના દસ તાલુકામાં તા. ૫ ઓગસ્ટ, ૨૦૨૫થી ૭ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન કરવામાં આવ્યું છે.
આ કલા મહાકુંભ અંતર્ગત બુધવારે ખેડા જિલ્લાના પાંચ તાલુકાઓ – નડિયાદ, કઠલાલ, કપડવંજ, મહેમદાવાદ અને વસો ખાતે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા આવેલા કલાકારો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર આ કેમ્પેનમાં સહભાગી થઈ દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી.
જેમાં  નડિયાદ ખાતે બાલકન-જી બારીમાં, કઠલાલ ખાતે ડો. કે.આર. શાહ માધ્યમિક શાળા, કપડવંજમાં શ્રી એસ.સી. દાણી સ્કૂલ, મહેમદાવાદમાં જ્ઞાન જ્યોત હાઈસ્કૂલ અને વસો ખાતે જીબાબા કન્યા વિદ્યાલયમાં ‘કલા મહાકુંભ’ અંતર્ગત તિરંગાને સમર્પિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો. વિવિધ સ્પર્ધાઓમાં કલાકારોનો ઉત્સાહ:
‘કલા મહાકુંભ’ની સ્પર્ધામાં વિવિધ વયજૂથના કલાકારોએ વક્તૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત/ભજન, તબલા, હાર્મોનિયમ જેવી અનેક સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
‘કલા મહાકુંભ’ની સ્પર્ધા સાથે જ ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકો અને કલાકારોને પ્રતીક રૂપે તિરંગા આપીને આ કેમ્પેનમાં જોડવામાં આવ્યા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા – નડિયાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, આ કાર્યક્રમમાં ભાગ લેનારા કલાકારોને તિરંગા સાથે સેલ્ફી લઈને ‘હર ઘર તિરંગા’ પોર્ટલ પર અપલોડ કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પહેલથી કલાકારોએ કલા સાથે દેશપ્રેમનો અનોખો સંગમ રજૂ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!