નડિયાદના કલાવતીબેને દેશના જવાનો માટે ૧૬ હજાર રાખડીઓ મોકલી
નરેશ ગનવાણી નડિયાદ

સંસ્કાર અને શિક્ષણની નગરી નડિયાદમાં ઉછેર પામેલા અને હાલ મહારાષ્ટ્રના અહિલ્યાનગર ખાતે રહેતા કલાવતી સાબલે દેશમુખ (ઉ.વ. ૪૦) છેલ્લા પાંચ વર્ષથી એક પ્રેરણાદાયક કાર્ય કરી રહ્યા છે. તેમણે આ વર્ષે પોતાના હાથે બનાવેલી ૧૬ હજાર રાખડીઓ દેશની સરહદો પર ફરજ બજાવતા જવાનો માટે મોકલી છે. આ રીતે, પાંચ વર્ષના સમયગાળામાં તેમણે કુલ ૫૧ હજાર થી વધુ રાખડીઓ દેશના વીરોને મોકલીને ભાઈ-બહેનના પવિત્ર સંબંધની ભાવનાને જીવંત રાખી છે.
નડિયાદની સંત અન્ના સ્કૂલ અને સંતરામ મંદિર સાથે જોડાયેલા કલાવતીબેનને આ પ્રેરણા તેમના સ્વર્ગસ્થ પિતા રામદાસભાઈ સાબલે પાસેથી મળી છે. કલાવતીબેન મહારાષ્ટ્રમાં ટ્યુશન ક્લાસ ચલાવે છે અને આ કાર્યમાં તેમને તેમના પતિ રાધાકૃષ્ણ દેશમુખ, સંતાનો યશ અને દીપ, તેમજ ટ્યુશનના બે વિદ્યાર્થીઓ ભૂષણ અને હર્ષલનો સહયોગ મળ્યો છે. આ રાખડીઓ લેહ, લદાખ, જમ્મુ-કાશ્મીર, નેવી અને એર ફોર્સમાં ફરજ બજાવતા જવાનો સુધી પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવી છે. કલાવતીબેન આ તમામ રાખડીઓ પોતાના સ્વખર્ચે બનાવે છે. તેઓ માને છે કે આ એક નાનકડો પ્રયાસ છે જે માનવીય અભિગમના અમૂલ્ય સંબંધને જીવંત રાખવામાં મદદ કરે છે. તેમના આ પ્રશંસનીય કાર્યને કારણે તેમને અન્ય ઘણા લોકોનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે. કલાવતીબેનનું આ કાર્ય દેશભક્તિ અને પ્રેમનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડે છે, જે નડિયાદ માટે પણ ગૌરવની વાત છે.

