કપડવંજ પાસે નર્મદા કેનાલમાં ઇકો કાર ખાબકી: ૨૦ કલાક બાદ મળી, ડ્રાઈવર લાપતા
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના સાલોડ ગામ પાસે નર્મદાની મુખ્ય કેનાલમાં ગુરુવારે સાંજે એક ઈકો કાર ખાબકી હતી. ઘટનાના લગભગ ૨૦ કલાકની ભારે શોધખોળ બાદ કાર મળી આવી છે, પરંતુ કાર ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી. હાલ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ દ્વારા લાપતા કાર ચાલકની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે સાલોડ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં એક ઈકો કાર અચાનક ખાબકી હતી. પાણીનો પ્રવાહ તેજ હોવાથી કાર ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કપડવંજ ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, ગુરુવારે મોડી રાત સુધીની શોધખોળ બાદ પણ કાર કે કાર ચાલકનો કોઈ પત્તો મળ્યો નહોતો. શુક્રવારે સવારે ફરીથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આખરે, ૨૦ કલાકની મહેનત બાદ કેનાલના ઊંડા પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે કાર ચાલકનું નામ શંકરભાઈ પુરોહિત ઉંમર ૪૩ છે, જેઓ મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સાલોડ વિસ્તારની સિમેન્ટના બ્લોક બનાવતી કંપનીમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા હતા. કારમાં શંકરભાઈ એકલા જ સવાર હતા. હાલ, ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ કેનાલના ઊંડા પાણીમાં શંકરભાઈને શોધવા માટે સઘન પ્રયાસો કરી રહી છે.

