નડિયાદમાં શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
નરેશ ગનવાણી

નડિયાદ: યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની અખંડ જ્યોતના આશીર્વાદ અને વર્તમાન મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી સંચાલિત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ, નડિયાદ ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ભક્તિભાવથી ભાગ લીધો હતો.
આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો, ભગવાન શ્રીકૃષ્ણના આદર્શ જીવનમાંથી પ્રેરણા મેળવવાનો, અને જીવનમાં સત્ય, ધર્મ તથા કરુણા જેવા ગુણોનું સ્થાપન કરવાનો હતો. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર અને શ્રી સંતરામ કેળવણી મંડળના ઉપપ્રમુખ સંત સત્યદાસજી મહારાજ, શાળા વ્યવસ્થાપક સમિતિના સભ્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત શ્રીકૃષ્ણ જન્મોત્સવની આરતી અને મંગલાચરણથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મટકી ફોડ, રાસ-ગરબા, ભજનો, કાવ્યો અને શ્રીકૃષ્ણ લીલાઓના નાટ્યરૂપ પ્રદર્શન દ્વારા સૌનું મન મોહી લીધું હતું. આ દરમિયાન, સમગ્ર વિદ્યાપીઠનું પરિસર “નંદ ઘેર આનંદ ભયો”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
