પોલીસે કપડવંજ શહેરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર જનકસિંહ દેવડા અને તેમની સર્વેલન્સ સ્ક્વોડની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરતા એક ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ચોરી થયેલો કુલ રૂ. ૧,૮૩ હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા આણંદ જિલ્લાના ત્રણ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
તાજેતરમાં કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ઘરફોડ ચોરીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરતા ત્રણ શંકાસ્પદ ઇસમો ચોરી કરતા અને મુદ્દામાલ લઇ જતા જોવા મળ્યા હતા.
આરોપીઓ કોઈ વાહનનો ઉપયોગ કરીને આવ્યા હશે તેવી શંકાના આધારે પોલીસે આશરે ૨૫ જેટલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન એક શંકાસ્પદ સીએનજી રિક્ષાની અવરજવર જણાઈ આવી હતી. આ રિક્ષા ડાકોર તરફ જતી હોવાનું માલૂમ પડતા, ડાકોર ખાતેના નેત્રમ સી.સી.ટી.વી. કેમેરાની મદદથી રિક્ષાનો નંબર ટ્રેસ કરવામાં આવ્યો.
ત્યારબાદ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આણંદ જિલ્લાના ઓડ ગામના ત્રણ આરોપીઓ અતુલભાઈ કમલેશભાઈ વાઘરી , હસમુખભાઈ મહેશભાઈ તળપદા , અને જયેશભાઈ કાન્તીભાઈ તળપદા ને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ જેમાં ચાંદીના સિક્કા અને મૂર્તિઓ, રોકડ રકમ, સારેગામા કારવા રેડિયો અને એર કુલર સહિત કુલ રૂ. ૮૩ હજાર નો મુદ્દામાલ રિકવર કર્યો છે. આ ઉપરાંત, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂ. ૧ લાખ ની કિંમતની સીએનજી રિક્ષા પણ જપ્ત કરવામાં આવી છે. આમ, પોલીસે કુલ રૂ. ૧ લાખ ૮૩ હજાર નો મુદ્દામાલ કબજે કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

https://shorturl.fm/PSO4D