ચાલુ ટ્રેને મહિલા મુસાફરનું પર્સ ચોરાયું: રૂ. ૯૩,૫૦૦નો મુદ્દામાલ ચોરાયો
નરેશ ગનવાણી નડિયાદ

હમસફર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક દંપતીના ૯૩,૫૦૦ રૂપિયાની કિંમતના સામાન ભરેલા પર્સની ચોરી થઈ છે. નડિયાદ રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં રહેતા નીતિન નામદેવ સિંધે અને તેમના પત્ની આરતીબેન તા. ૨૮ જુલાઈ, ૨૦૨૫ના રોજ પુણે રેલવે સ્ટેશનથી જોધપુર જવા માટે હમસફર-જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેઠા હતા. દંપતી કોચ નંબર બી/૨ની સીટ નંબર ૨૫ અને ૩૧ પર મુસાફરી કરી રહ્યા હતા. રાત્રિ દરમિયાન, જ્યારે પતિ-પત્ની ઊંઘી રહ્યા હતા, ત્યારે કોઈ અજાણ્યો ચોર આરતીબેનની સીટ પરથી તેમનું પર્સ ચોરીને લઈ ગયો હતો. આ પર્સમાં સોનાના દાગીના અને એક મોબાઈલ ફોન સહિત કુલ ૯૩,૫૦૦ રૂપિયાની કિંમતનો સામાન હતો. બીજા દિવસે સવારે જ્યારે આરતીબેન જાગ્યા, ત્યારે તેમને પર્સ ગાયબ હોવાનું માલુમ પડ્યું. આ ઘટના અંગે તેમણે નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.