ડાકોર પોલીસે ચોરીની બાઈક અને મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડ્યો
નરેશ ગનવાણી નડિયાદ

ડાકોર પોલીસની સર્વેલન્સ ટીમે ચોરી કરેલી બાઈક અને ચાર મોબાઈલ ફોન સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીનો ગુનો નોંધાયેલો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર એ.એસ. ચૌધરી પોતાની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને બાતમી મળી કે એક ઈસમ ચોરીની હીરો પ્લેન્ડર પ્લસ બાઈક (જેને નંબર પ્લેટ નથી) લઈને ઠાસરા રોડથી ડાકોર તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે ડાકોર રેલ્વે સ્ટેશન નજીક આવેલા મહાકાળી મંદિર પાસે વોચ ગોઠવી. થોડીવાર બાદ, ત્યાંથી પસાર થઈ રહેલા એક શંકાસ્પદ ઈસમ દિનેશકુમાર ઉર્ફે ચંપકસિંહ ચૌહાણ (રહે. ઉમરેઠ, આણંદ) ને પોલીસે અટકાવ્યો. તેની પાસે નંબર પ્લેટ વગરની હીરો કંપનીની બાઈક હતી. પોલીસે તેની અંગ ઝડતી કરતા, બાઈક ઉપરાંત જુદી જુદી કંપનીના ચાર એન્ડ્રોઈડ મોબાઈલ ફોન પણ મળી આવ્યા. બાઈક અને મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ બાઈક તેણે સુરેન્દ્રનગર જિલ્લાના વાલેવડ ગામમાંથી ચોરી કરી હતી. પોલીસે વધુ તપાસ કરતા, આ બાઈક ચોરી અંગે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું. આથી, ડાકોર પોલીસે આરોપી દિનેશકુમાર ઉર્ફે ચંપકસિંહ ચૌહાણને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દસાડા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે.