નડિયાદ જે.જે. સાયન્સ કોલેજ ખાતે ૭૬મા વન મહોત્સવની ઉજવણી
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં ૭૬મા વન મહોત્સવની ઉજવણી નિમિત્તે જે.જે. સાયન્સ કોલેજ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ અને નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ. સોલંકી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી થઈ હતી, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના સંબોધનમાં ‘એક પેડ મા કે નામ ૨.૦’ અભિયાન પર ભાર મૂક્યો હતો, જેના અંતર્ગત ગુજરાતમાં ૧૦.૩૫ કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. તેમણે તાજેતરમાં ગળતેશ્વર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પિત કરાયેલા ‘ગળતેશ્વર સાંસ્કૃતિક વન’ની મુલાકાત લેવા અને પ્રકૃતિ સાથે જોડાવા યુવાનોને ખાસ અપીલ કરી હતી. સાંસદે યુવાનોને આ અભિયાન હેઠળ એક વૃક્ષ વાવી તેનું જતન કરવા પણ પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે પાણી અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની પણ સલાહ આપી હતી.
નાયબ વન સંરક્ષક વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વન મહોત્સવ એ પ્રકૃતિની પૂજા કરવાનું પર્વ છે. તેમણે પર્યાવરણના સંતુલન માટે વૃક્ષારોપણ અને સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે “હરિત ગુજરાત”ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે સરકારી પ્રયાસોની સાથે સાથે જનતાનું યોગદાન પણ અનિવાર્ય છે. તેમણે દરેક વ્યક્તિને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ઓછામાં ઓછું એક વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક અભિષેક સામરીયા, જે.જે. કોલેજના પ્રિન્સિપાલ અલ્પેશભાઈ પટેલ, ધાર્મિક આગેવાન સ્મિતાબેન પ્રજાપતિ, નડિયાદ કેળવણી મંડળના સંચાલકો, અને મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ મદદનીશ વન સંરક્ષક આર.એમ. પુરોહિત દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમે નડિયાદના નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બનાવી.