વડતાલધામમાં શિક્ષાપત્રી વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર: ધર્મ, સમાજ અને ભવિષ્યની ચર્ચા
નરેશ ગનવાણી નડિયાદ

સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામિનારાયણ મંદિર, વડતાલના સંયુક્ત ઉપક્રમે તા. ૪ થી ૬ દરમિયાન શિક્ષાપત્રી વિષયક ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારનો પ્રારંભ થયો. આ સેમિનારમાં વિદ્વાનો, સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિ જોવા મળી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહાએ સેમિનારનો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, “શિક્ષાપત્રી જીવનની આચારસંહિતા છે અને આવા ગ્રંથોમાં જ આપણું ભવિષ્ય રહ્યું છે.”
વડતાલધામના વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શિક્ષાપત્રીને આપણી માર્ગદર્શિકા ગણાવતા કહ્યું કે, તેનાથી વધુ જ્ઞાની થવાની કે શિથિલ થવાની જરૂર નથી. શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવાથી મુક્તિ મળે છે. સેમિનારનો શુભારંભ દીપપ્રાગટ્ય અને શિક્ષાપત્રી તેમજ તેના લેખક ભગવાન સ્વામિનારાયણના પૂજન સાથે થયો. આ પ્રસંગે વડતાલના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, એસ.પી. યુનિવર્સિટીના ઉપકુલપતિ નિરંજનભાઈ પટેલ, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, ડો. સંતવલ્લભદાસ સ્વામી, નૌતમપ્રકાશ સ્વામી, પૂર્વ કુલપતિ રજનીશ શુક્લ, ગોધરાના ઉપકુલપતિ ડો. રમેશ કટારિયા, વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત સેમિનારની પ્રોસીડીંગ બુકલેટનું વિમોચન પણ કરવામાં આવ્યું.
આ સેમિનારમાં વિદ્વાનો દ્વારા વિવિધ વિષયો પર પ્રવચન આપવામાં આવ્યું. ભાગ્યેશભાઈ જહાએ શિક્ષાપત્રીની વર્તમાન સમયમાં જરૂરિયાત વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. રજનીશ શુક્લજીએ શિક્ષાપત્રીના શ્લોકોને મંત્રવત્ આદરણીય ગણાવીને કહ્યું કે તેના અનુયાયીઓ જ સાચા અર્થમાં ધર્મના જીવંત સ્વરૂપ છે. ડો. બળવંતભાઈ જાનીએ શિક્ષાપત્રીના સિદ્ધાંતોનું અન્ય ધર્મો સાથે તુલનાત્મક વિશ્લેષણ કરી જણાવ્યું કે શિક્ષાપત્રીના મૂલ્યોને કારણે જ આ સંપ્રદાય સૌથી વધુ સર્વગ્રાહી બન્યો છે. આ ત્રિદિવસીય સેમિનારમાં ધર્મ, સમાજ અને ભવિષ્યને લગતા અનેક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.