ચકલાસી પાસે ચોરીનાં પાંચ બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલસીબી પોલીસે ચોરીનાં પાંચ બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીએ આ તમામ બાઇક અલગ-અલગ જગ્યાએથી ચોર્યા હોવાનું કબૂલ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર
એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર કે.આર. વેકરીયાની સૂચનાથી એલસીબી પોલીસ સ્ટાફ ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. તે દરમિયાન ભાવેશકુમાર અશ્વિનભાઇ તથા ઇશ્વરભાઇ યુવરાજભાઈ ને બાતમી મળી કે રોહનકુમાર હિંમતભાઈ વાઘેલા, રહે. ચકલાસી, નડિયાદ, એક હીરો પેશન બાઇક લઈને રામપુરાથી રગડીના વડ પાસે આવવાનો છે, જે બાઇક ચોરીનું હોવાની શંકા છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. થોડીવાર બાદ બાતમી મુજબના વર્ણનવાળો એક યુવક બાઇક પર આવતાં પોલીસે તેને રોક્યો હતો. બાઇકની નંબર પ્લેટ તૂટેલી હાલતમાં હતી. યુવકની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રોહનકુમાર હિંમતભાઈ વાઘેલા જણાવ્યું હતું.
પોલીસે બાઇકના માલિકીના પુરાવા અને આર.ટી.ઓ. રજિસ્ટ્રેશન નંબર વિશે પૂછપરછ કરી, પરંતુ તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. આખરે, તેણે કબૂલ્યું કે આ બાઇક તેણે આશરે બે મહિના પહેલાં ચકલાસીના રામદેવપીર મંદિર પાસેથી ચોર્યું હતું. પોલીસે તેની પાસેથી રૂ. ૨૦ હજાર ની કિંમતનું બાઇક જપ્ત કરી તેની ધરપકડ કરી હતી.
વધુ પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે ચોરી કરેલા અન્ય પાંચ બાઇક તેના દાદાના ખેતરમાં છુપાવ્યા છે. પોલીસે ખેતરમાં તપાસ કરતાં પાંચ બાઇક મળી આવ્યા હતા. આરોપીએ જણાવ્યું કે આ બાઇક તેણે વડતાલ પોલીસ સ્ટેશન, કણઝરી, અમૂલ દાણ ફેક્ટરી બહારથી ત્રણ બાઇક, કણજરી ચોકડીથી એક બાઇક અને નડિયાદની એન.ડી. દેસાઈ હોસ્પિટલ બહારથી એક બાઇક ચોરી કરીને લાવ્યો હતો.
ખેડા એલસીબી પોલીસે આ ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે.