નડિયાદની શારદા મંદિર સ્કૂલ ખાતે પોક્સો એક્ટ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ

ગુજરાત સરકારના ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW), ખેડા દ્વારા તા. ૦૨ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો દ્વારા યોજવામાં આવ્યું હતું.
આ અભિયાનના ભાગરૂપે, ગઈ કાલે શારદા મંદિર ડે સ્કૂલ, નડિયાદ ખાતે ‘કોમ્પ્લાયન્સ ઓફ પોક્સો એક્ટ’ વિશે જાગૃતિ ફેલાવવા માટે એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સિપાલ તેમજ કિર્તીબેન જોશી, પ્રિયંકાબેન નીલેવાલા , આરતીબેન પુરોહિત અને DHEW ટીમનો સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન, ઉપસ્થિત કિશોરીઓને બાળ લગ્ન અટકાવવા, બાલિકાઓ સામે થતી હિંસા, પોક્સો એક્ટ અને બાળકોના અધિકારો વિશે વિસ્તૃત અને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. આ માહિતી દ્વારા કિશોરીઓને તેમના અધિકારો અને સુરક્ષા વિશે જાગૃત કરવામાં આવી હતી.
