વડતાલ ખાતે મહિલા સત્સંગ શિબિરનુંપ્રારંભ
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પવિત્ર યાત્રાધામ વડતાલ ખાતે શિક્ષાપત્રી લેખન અને આચાર્યપદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં બે દિવસીય મહિલા સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ અને લાલજી પૂજ્ય સૌરભપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ગાદીવાળા માતુશ્રીની નિશ્રામાં આ શિબિર ‘નારી શક્તિ, નારી ભક્તિ’ના રાષ્ટ્રીય સૂત્ર સાથે યોજાઈ રહી છે. શિબિરના પ્રારંભે, મંદિરના ભૂદેવ ધીરેનભાઈ ભટ્ટ દ્વારા શ્રી હરિકૃષ્ણ મહારાજ સમક્ષ શિક્ષાપત્રીનું પૂજન કરવામાં આવ્યું હતું. પૂજન બાદ, વાજતે-ગાજતે પોથીયાત્રા નીકળી હતી, જે વડતાલધામના રાજમાર્ગો પર ફરીને મંદિર પરિસરમાં આવેલા રવિસભા હોલ ખાતે પહોંચી હતી. અહીં દીપ પ્રાગટ્ય બાદ શિક્ષાપત્રી કથાનો પ્રારંભ થયો હતો.
આ કથાનું રસપાન સાંખ્યયોગી બહેનો દ્વારા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓને કરાવવામાં આવ્યું હતું. આ શિબિર દ્વિશતાબ્દી મહોત્સવનો એક અભિન્ન અંગ છે, જેનો હેતુ શિક્ષાપત્રીના આદર્શોને મહિલાઓમાં પ્રસારિત કરવાનો છે. શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આચારસંહિતા અને સર્વજીવોના કલ્યાણ માટેની પથદર્શિકા છે. આજથી ૧૯૯ વર્ષ પૂર્વે, વિક્રમ સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમ (વસંત પંચમી)ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલ મંદિર પરિસરમાં આવેલા ઐતિહાસિક હરિમંડપમાં બેસીને તેની રચના કરી હતી. ૨૧૨ શ્લોકો ધરાવતી આ શિક્ષાપત્રી ભગવાન શ્રી સ્વામિનારાયણની સ્વયં વાણી (આજ્ઞા) સ્વરૂપ છે અને સંપ્રદાયના સાહિત્યમાં શિરોમણિ સમાન ગણાય છે. તેમાં ધર્મશાસ્ત્રોનો સાર સમાયેલો છે, અને તે આચાર્ય, સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો તથા અનુયાયીઓ માટે સંયમ અને મર્યાદાનું પાલન કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે.


https://shorturl.fm/DA8jU