ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા આયોજન હેઠળના વિવિધ વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ વર્ષ ૨૦૨૩-૨૪ અને ૨૦૨૪-૨૫ના આયોજનના કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ખાસ કરીને અટકી પડેલા કામોનું તાત્કાલિક નિરાકરણ લાવવા પર ભાર મૂક્યો હતો.
કલેક્ટરએ અધિકારીઓને આયોજન માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટનો વિવેકપૂર્ણ અને ઈમાનદારીપૂર્વક ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે સાધનસામગ્રીની ખરીદી કરતી વખતે તેની ગુણવત્તા અને બજારભાવનું ખાસ ધ્યાન રાખવામાં આવે. આ ઉપરાંત, તેમણે આયોજન કચેરી સાથે યોગ્ય સંકલન જાળવીને કામગીરીની નિયમિત સમીક્ષા કરવા પણ સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર, પ્રાંત અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તેમજ આયોજન, આરોગ્ય, આઈસીડીએસ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના વિકાસ કાર્યોને ગતિ આપવાનો અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂરા કરવાનો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!