સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં ‘મા સરસ્વતી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા
નરેશ ગનવાણી નડિયાદ

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી. બી. પટેલ આર્ટસ કોલેજમાં સોમવારના રોજ મા સરસ્વતી માતાજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા અને ૧૧૧ કુમારિકાના પૂજન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજમાં નવનિર્મિત મા સરસ્વતી માતાજીના મંદિરમાં અંબાજીથી લાવવામાં આવેલી વાગ્દેવીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી.
મહોત્સવની સવારે ૮ કલાકે આયુર્વેદિક કોલેજમાંથી મા સરસ્વતીની મૂર્તિને બગીમાં બેસાડીને નાસિક ઢોલ અને રાસની રમઝટ સાથે વાજતેગાજતે કોલેજમાં લાવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં આચાર્ય, મંડળના પદાધિકારીઓ, સમગ્ર કોલેજ પરિવાર, નિમંત્રિત મહેમાનો અને વિદ્યાર્થીઓ કુંભઘડુલા લઈને જોડાયા હતા. આસ્થા, આનંદ અને હેતના ભાવ સાથે મૂર્તિનું સ્વાગત કરી યજ્ઞ અને આરતી કરીને મા સરસ્વતીની સ્થાપના કરાઈ હતી. આ પ્રસંગે ૧૧૧ કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્યું હતું
આ દિવ્ય મહોત્સવમાં આશીર્વચન આપવા માટે સંતરામ મંદિરના પ. પૂ. હરિદાસદાસજી મહારાજ અને નડિયાદ સ્થિત સ્વામીનારાયણ મંદિરના પ. પૂ. સર્વમંગલ કોઠારી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કોલેજ પરિવાર તથા વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ દેસાઈ હાજર રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં સારસ્વત અતિથિ તરીકે એસ. પી. યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ અને હાલ ખેડા જિલ્લાના ભાજપના ઉપપ્રમુખ વિકાસભાઈ શાહ, અતિથિ વિશેષ તરીકે મેને. ટ્રસ્ટી બ્રહ્મર્ષિ સંસ્કારધામના દેવેન્દ્રભાઈ એમ. દવે, અને મુખ્ય અતિથિ તરીકે સોસાયટીના ખજાનચી પુરુષોત્તમભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો.
