સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ બે યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી : પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અંતર્ગત જિલ્લાના ૩૬૩૦ ખેડુતોને ૪૯ લાખથી વધુની સહાય મળશે
૦૦૦
દાહોદ જિલ્લાના ૪૫૦૦ ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે વાર્ષિક રૂ. ૪૮૬ લાખની સહાય મંજૂર
૦૦૦
૦૦૦
જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોનું મહાનુભાવોએ બહુમાન કર્યું
૦૦૦
આ સાતેય યોજનાઓ થકી દાહોદનો ખેડૂત આત્મનિર્ભર બનશે – રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ
૦૦૦
દાહોદ, તા. ૧૭ : રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ગુજરાતને નવી હરીયાળી કાંન્તિ તરફ દોરી જતી આ સાત યોજનાઓ પૈકી વધુ બે યોજનાઓનો રાજયવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ રાજય મંત્રી શ્રી બચુભાઇ ખાબડે લીમખેડાના કાચલા ગામ ખાતેના બાપુ નરસીંહ સેવાનંદધામથી આ બે યોજનાઓનો પ્રારંભ કર્યો છે.
આ બંને યોજનાઓના શુભારંભ પ્રસંગે રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના ઉદ્દેશ સાથે આ સાતેય યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જે પૈકી આજે ત્રીજી અને ચોથી યોજનાનો પ્રારંભ કરવામાં આવે છે. રાજયભરમાં આજથી આરંભ થનારી આ બે યોજનાઓ પૈકી પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના માટે દાહોદ જિલ્લાના ૪૫૦૦ ખેડૂતોને રૂ. ૪૮૬ લાખની સહાય મંજુર કરવામાં આવી છે અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અંતર્ગત જિલ્લાના ૩૬૩૦ ખેડુતોને ૪૯ લાખથી વધુની સહાય કરવામાં આવશે. જે અંતર્ગત ૩૧૦૮ ખેડૂતોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જિલ્લાના ખેડૂતો આ સાતેય યોજનાઓનો વધુમાં વધુ લાભ લે. ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સપનાને આ યોજનાઓ સાચા અર્થમાં ચરિતાર્થ કરશે.
તેમણે જણાવ્યું કે, દાહોદનો ખેડૂત જો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવશે તો તેમની આવક નિશ્વિત બમણી થશે. પ્રાકૃતિક ખેતી ઝીરો બજેટ ખેતી છે અને ગાયના દૂધની પણ વૈકલ્પિક આવક ખેડૂતને મળતી થશે. આ માટે રાજય સરકારે પ્રતિમાસ રૂ. ૯૦૦ અને વાર્ષિક રૂ. ૧૦૮૦૦ દેશી ગાયના નિભાવખર્ચ માટે ખેડૂતને મળશે. આ માટે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી માટેની કૃષિ કીટ માટે પણ રાજય સરકાર રૂ. ૧૩૫૦ સુધીની સહાય કરી રહી છે. જેમાં ૨૦૦ લીટરનું ઢાંકળા વગરનું ડ્રમ, ૧૦ લીટરના બે પ્લાસ્ટિકના ટોકર-ટબ, ૧૦ લીટરની પ્લાસ્ટિકની ડોલનો આ કીટમાં સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, આપણી રાજય સરકારે ખેડૂતો માટે ઘણી નક્કર અને મહત્વપૂર્ણ યોજનાઓ લાગુ કરી રહી છે. ત્યારે જિલ્લાના ખેડૂતો પણ જાગૃત રહે અને આ યોજનાઓનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. રાજય સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી રહી છે. તેમના હિતનો વિચાર કર્યો છે. ખેડૂતોને આધુનિક ટેકનોલોજીથી જોડવા, તેમને ઓછા ખર્ચે મહત્તમ ઉત્પાદન મળે તે માટેના પ્રયત્નો કર્યા છે. પ્રાકૃતિક ખેતી દાહોદનો દરેક ખેડૂત અપનાવે અને રાસાયણીક ખાતરથી થતાં નુકસાનથી બચે. આ સાતેય યોજનાઓ થકી દાહોદનો ખેડૂત આત્મનિર્ભર બનશે એ સપષ્ટ જોઇ શકાય છે.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી યોગેશભાઇ પારગીએ આ પ્રસંગે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીથી થતાં લાભ ખેડૂતોને સમજાવી રાજય સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને આ બંને યોજનાઓના મંજૂરીપત્રોનું મહાનુભાવોએ વિતરણ કર્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂત તરીકે ઝાલોદના પશુપાલક શ્રી કવીતાબેન ડામોરને બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ, પ્રશસ્તિપત્ર અને રૂ. ૨૫ હજારનો ચેક આપી સન્માનિત કરાયા હતા. જયારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂતોને બેસ્ટ આત્મા એવોર્ડ સાથે રૂ. ૧૦ હજારના ચેકથી સન્માનિત કરાયા હતા.
આ ઉપરાંત પોષણ માહ અંતર્ગત મહાનુભાવોએ ઉપસ્થિત લાભાર્થીઓ, ખેડૂતોને પોષણ શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.એચ.સુથાર, નાયબ ખેતી નિયામક શ્રી એન.વી.રાઠવા, જિલ્લા પશુપાલન અધિકારી ડો. કમલેશ ગોસાઇ સહિતના અધિકારીઓ ઉપરાંત બાપુ નરસિંહ સેવાનંદ ધામના મહંત શ્રી સેવાનંદ ગિરીજી મહારાજ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.
#Sindhuuday Dahod

