બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન: વાસણા બુઝર્ગમાં ઠરાવ અને સંકલ્પ

નરેશ ગનવાણી નડિયાદ

૨ જી ઓકટોબર ૨૦૨૫ ગાંધી જયંતી ના દિવસે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરના અધ્યક્ષ સ્થાને નડિયાદના વાસણા બુઝર્ગ ખાતે બાળ લગ્ન મુક્ત ભારત અને બાળ અધિકારોની સુરક્ષા માટે એક ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુત્તરની આંટી અને પુષ્પમાળા અર્પણ કર્યા બાદ પ્રાથમિક શાળામાં યોજાયેલી આ ગ્રામસભામાં વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારત સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હતું.
અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજજરે ગ્રામજનોને આદર્શ ગ્રામ બાળ મિત્ર અન્વયે શપથ લેવડાવ્યા હતા કે. આજનું બાળક આવતી કાલનું ભવિષ્ય છે. દરેક બાળક દરેક ગામમાં સુરક્ષાની અનુભૂતિ કરે તેની જવાબદારી આપણા સૌની છે. આ સભામાં બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણું ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય પણ બાળ વિવાહ મુક્ત બને તે માટે ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ, ગ્રામજનોએ બાળ વિવાહ મુક્ત ગામ બનાવવા માટે દૃઢ સંકલ્પ કર્યો હતો. આદર્શ બાલ મિત્ર ગામ નિર્માણ અને બાળકોના મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા માટે સંકલ્પ પત્રનું વાંચન પણ કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોએ સાથે મળીને દરેક બાળકને તેના અધિકારો આપવાની સૌની ફરજ છે. તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ખાસ ગ્રામસભામાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલ, નડિયાદ ગામના સરપંચશ્રી, ઉપસરપંચ, શાળાના આચાર્ય, પંચાયત સભ્યો, મહિલા મંડળ, યુવા મંડળ, શિક્ષકો, આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો, આરોગ્ય વિભાગનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!