બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મટીરીયલની ચોરી: પોલીસે રૂ. ૭.૩૯ લાખના મુદ્દામાલ સાથે ૨ કામદારોને ઝડપ્યા
નરેશ ગનવાણી નડિયાદ

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે નડિયાદ નજીક આવેલા પીપલગ ગામ પાસેના પ્લાન્ટમાંથી મોટી માત્રામાં મટીરીયલ અને સામાનની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ચોરીના મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને પ્લાન્ટમાં કામ કરતા જ બે કામદારોને ઝડપી પાડ્યા છે અને રૂ ૭.૩૯ લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પીપલગ ખાતેના બુલેટ ટ્રેન પ્લાન્ટમાં કામ કરતા ધર્મેન્દ્ર યાદવ અને જગદીશસિંઘ નામના બે કામદારો જ ચોરી કરતા હતા. આ બંને આરોપીઓ રાત્રિના સમયે પ્લાન્ટમાંથી વિવિધ મટીરીયલ અને સામાનની ચોરી કરતા અને ત્યારબાદ તેને ભંગારના વેપારીને વેચી દેતા હતા.
પોલીસને આરોપીઓ સુધી પહોંચાડવામાં ઓનલાઇન નાણાંકીય ટ્રાન્ઝેક્શન સૌથી મોટો પુરાવો સાબિત થયો હતો. નડિયાદના ભંગારના એક વેપારીએ ચોરીના સામાનના બદલામાં આ બંને આરોપીઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે આ નાણાંકીય વ્યવહારના આધારે તપાસ કરીને આરોપીઓ સુધી પહોંચી ગઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને કામદારોએ છેલ્લા સાત માસના સમયગાળા દરમિયાન પ્લાન્ટમાંથી અંદાજિત ₹7.39 લાખના સામાનની ચોરી કરી હતી. નડિયાદ ગ્રામ્ય પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, અને ચોરી થયેલા મુદ્દામાલને પરત મેળવવાની તજવીજ શરૂ કરી છે.
