દાહોદને કુપોષણથી મુક્ત કરવા પોષણકર્મીઓને આહ્વાન કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી : જિલ્લામાં પોષક આહાર બાબતે જાગૃકતા લાવવા પોષણકર્મીઓ વચ્ચે જિલ્લા કક્ષાની વાનગી હરીફાઇ યોજાઇ
૦૦૦
૦૦૦
આંગણવાડીના કિચન ગાર્ડનની શાકભાજીનો ઉપયોગ કરી પોષણકર્મીઓએ અનેક પોષ્ટિક અને લહેજતદાર વાનગીઓ બનાવી
૦૦૦
દાહોદ, તા. ૧૮ : દાહોદ જિલ્લામાં પોષણ માસની ઉજવણી જોશભેર કરવામાં આવી રહી છે. જિલ્લામાં પોષણયુક્ત આહારની અગત્યતા જનજન સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આજ રોજ જિલ્લા પંચાયત ભવન ખાતે જિલ્લાના પોષણકર્મીઓ વચ્ચે પોષક વાનગીઓની જિલ્લા કક્ષાની હરીફાઇ યોજાઇ હતી. જેમાં આંગણવાડી કાર્યકર્તાઓ સાથે કિશોરીઓએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે પોષણકર્મીઓને જિલ્લાને કુપોષણથી મુક્ત કરવા આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પોષણને પ્રથમ પ્રાથમિકતા આપી રહ્યાં છે. અત્યારના કોરોના મહામારીના સમયમાં જો યોગ્ય પોષક આહાર લેવામાં આવે તો આ મહામારીથી દૂર રહી શકાય છે. આપણા જિલ્લામાં કુપોષણથી પીડાંતા બાળકોને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા એટલે કે સુપોષિત કરવા એ જ આપણું પ્રથમ ધ્યેય હોવું જોઇએ.
તેમણે જિલ્લાને કુપોષણથી મુક્ત કરવા ત્રણ બાબતો પર ભાર મુકતા જણાવ્યું કે, કુપોષણથી મુક્ત થવા સારો પોષક આહાર મળવો ખૂબ જરૂરી છે. બીજી જરૂરી બાબત એ છે કે બાળકના માવતર પણ પોષણ બાબતે જાગૃતિ દાખવે અને પોષણ બાબતે સજાગ બને. ત્રીજી અને મહત્વપૂર્ણ બાબત આપ સૌ આંગણવાડી કાર્યકર્તાઓની સક્રિયતા છે. આપ સૌ સક્રિય થઇ જિલ્લાને કુપોષણથી મુક્ત કરી શકો છો. આપ સૌ પોષણ સેનાનીઓ છો અને આપણા જિલ્લાને સુપોષિત બનાવવા સૌએ કમર કસવી રહી.
આ પ્રસંગે પોષણકર્મીઓ દ્વારા નિર્દેશિત કરવામાં આવેલી વાનગીઓનું જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. પોષણકર્મીઓએ બાલશક્તિ, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના પેકેટનો ઉપયોગ કરી લાડું, સુખડી, હાંડવો, થેપલાં, કેક, સરગવાના પાનનાં ઢોકળાં, ગાજરનો હાંડવો, કટલેસ વગેરે વાનગીઓ બનાવી હતી. જેમાં આંગણવાડી ખાતે તૈયાર કરવામાં આવેલા કિચન ગાર્ડનની શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પોષણકર્મીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમનામાં નવઉત્સાહનો સંચાર કર્યો હતો.
આ પ્રસંગે દાહોદના પોગ્રામ ઓફીસર શ્રી ડો. કમલેસ ગોસાઇ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર.ડી.પહાડીયા, ડિસ્ટ્રિક્ટ કન્સલ્ટન્ટ (યુનીસેફ) ડો. નીરજ તિવારી ઉપરાંત જિલ્લાના પોષણ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

