વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ડાકોર નજીકથી રૂ. ૪.૯૫ લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો

નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલ.સી.બી. પોલીસ માણસોએ નડિયાદ ડિવિઝનમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરીને ડાકોર ઓવર બ્રિજ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૪,૯૫,૧૬૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અ.હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ઉદેસિંહ તથા પો.કો. નિલેશભારથી શંભુભારથીને સંયુક્ત બાતમી મળી હતી કે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી એક મારુતિ સુઝુકી વેગનઆર ગાડી ઠાસરાથી ડાકોર થઈ મહુધા તરફ જવાની છે. આ માહિતીના આધારે પોલીસ ટીમે ડાકોરથી નીકળી રાણિયા રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની વેગનઆર ગાડી ઠાસરા તરફથી આવતા પોલીસે તેને ગાડી રોકાવીને તપાસ કરતાં ડ્રાઈવર સીટ પર એક ઇસમ હાજર હતો. તેનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ રાજેન્દ્રકુમાર બંસીલાલ મીણા (રહે. ઉદયપુર, રાજસ્થાન) જણાવ્યું હતું. પોલીસે ગાડીની તપાસ કરતાં તેમાંથી વગર પાસ-પરમીટે અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા. કુલ ૧૪૮૮ નંગ પ્રોહિબિશનનો મુદ્દામાલ જેની કિંમત રૂ. ૨,૯૦,૧૬૦ થાય છે, તે જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પોલીસે રૂ. ૨,૦૦,૦૦૦ની કિંમતની મારુતિ સુઝુકી વેગનઆર ગાડી અને રૂ. ૫૦૦૦ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ, પોલીસે કુલ રૂ. ૪,૯૫,૧૬૦નો મુદ્દામાલ કબજે કરી આરોપી રાજેન્દ્રકુમાર મીણાની ધરપકડ કરી હતી. પકડાયેલા ઈસમ વિરુદ્ધ ડાકોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!