પેટલી ગામ નજીકથી રૂ. ૨.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: ચાલક ફરાર
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી. સ્ટાફ દ્વારા નાઇટ પેટ્રોલીંગ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વગર પાસ-પરમીટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસને જોઈને વાહનનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, એલ.સી.બી સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ડભાણ ચોકડી નજીક આવતા એ.એસ.આઇ. વિનોદકુમાર નામદેવ અને હેડ કોન્સ્ટેબલ કનકસિંહ લક્ષ્મણસિંહને બાતમી મળી હતી કે, પેટલી ગામના વડનાથ મંદિર પાસે એક વાહનમાં પ્રોહીબિશનનો મુદ્દામાલ ભરેલો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પેટલી ગામના વડનાથ મંદિર પાસે તપાસ કરતા ત્યાં એક સફેદ કલરનું મહિન્દ્રા મેક્સ ડાલુ (પિકઅપ વાહન) પ્લાસ્ટિકના કેરેટ ભરેલું ઊભું મળી આવ્યું હતું. પોલીસે આસપાસ તપાસ કરી, પરંતુ વાહનનો ચાલક મળી આવ્યો ન હતો. પોલીસે ડાલાના પાછળના ભાગે ભરેલા પ્લાસ્ટિકના કેરેટ નંગ-૪૧ કિ.રૂ. ૪૧૦૦ નીચે તપાસ કરતા તેમાંથી વગર પાસ-પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૩૯૨ તથા બિયર નંગ-૬૪૫ મળી કુલ નંગ-૨૦૩૭ બોટલો મળી આવી હતી. વિદેશી દારૂના આ જથ્થાની કિંમત રૂ. ૨,૭૪,૬૫૦ આંકવામાં આવી છે. પોલીસે દારૂ, બિયર અને કેરેટ મળી કુલ રૂ. ૨,૭૮,૭૫૦નો પ્રોહીબિશનનો મુદ્દામાલ તથા રૂ. ૫ લાખ ની કિંમતનું મહિન્દ્રા ડાલુ મળી કુલ રૂ. ૭,૭૮,૭૫૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે વસો પોલીસ સ્ટેશનમાં મહિન્દ્રા ડાલુના ચાલક તથા તપાસમાં નીકળે તેની વિરુદ્ધમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

